દુષ્કર્મના આરોપીઓના ફોટો અને સજાની વિગતો દર્શાવતાં હોર્ડિંગ મુકાશેઃ રાજ્ય સરકારનો નિર્ણય

બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:00 IST)
સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે. તથા બાળકીનાં માતા-પિતાને 20 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે.પોર્ન વીડિયો જોયા બાદ ગુડ્ડુ યાદવ નામના આરોપીએ બાળકી સાથે પાશવી કૃત્ય આચર્યું હતું. ભવિષ્યમાં આ પ્રકારના ગુના બને નહીં એ માટે દાખલો બેસાડવાના આશયથી રાજ્ય સરકારે દુષ્કર્મના આરોપીઓની કરતૂત અને તેમને થયેલી સજાની વિગતો દર્શાવતા હોર્ડિંગ્સ રાજ્યમાં લગાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં આરોપીની તસવીર પણ હશે. રાજ્યમાં માસૂમ બાળકીઓ પર થતા દુષ્કર્મના કેસને સરકારે ગંભીરતાથી લઇને આરોપીને કડક અને તાત્કાલિક સજા મળે તેવા પ્રયાસ સફળ રહ્યા બાદ પોલીસના મનોબળમાં વધારો થયો છે.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દુષ્કર્મની ઘટનાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે. માત્ર એક માસમાં આવા ગંભીર ગુનામાં બેને ફાંસી સહિત ત્રણને કડક સજા કરવામાં સફળતા મળી છે, ત્યારે રાજ્યમાં આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર ખાસ એક્શન પ્લાન બનાવવા જઇ રહી છે. દુષ્કર્મના મોટાભાગના કેસમાં એવું સામે આવ્યું છે કે, આરોપીઓ પોર્ન ફિલ્મો જોઇને આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચરતા હોય છે જેથી શહેરોમાં મોબાઇલની દુકાનો દ્વારા પોર્ન વીડિયો કે ફિલ્મો ડાઉનલોડ કરી આપતા હોય ત્યાં પોલીસ ચાંપતી નજર રાખીને કાર્યવાહી કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર