ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા

શનિવાર, 30 મે 2020 (12:37 IST)
અત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ પણ ઊભું થયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. હવામાન ખાતાની અપડેટ અનુસાર અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન-યમન પાસે કેન્દ્રિત છે. અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે.અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર