મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી

મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (11:57 IST)
મોરબી ઝુલતા પુલ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. ગત સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું.

કોર્ટમાં જામીન અરજી પર અરજદાર વતી એડવોકેટ નિરુપમ નાણાવટીએ દલીલો કરતા જણાવ્યું હતું કે,ચાર્જશીટ અને સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. મોરબી સેશન્સ કોર્ટમાં વર્તમાન અરજદારે આગોતરા જામીન મૂક્યા હતા જેને પાછા ખેંચવામાં આવ્યા હતા. આરોપીના સાતથી આઠ દિવસના પોલીસ રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા. અરજદાર જાતે બ્રિજના સમારકામનું નિરીક્ષણ નહોતા કરતાં તે કામ માટે સ્પેશિયલ સ્ટાફ અને મેનેજર નીમવામાં આવ્યા હતા. સહ આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. જેમાં બે ટિકિટ વેચનાર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને એક મેનેજરનો સમાવેશ થાય છે.બ્રિજને મેઇન્ટેઈન અને મેનેજ કરવાની જવાબદારી ઓરેવા કંપનીની હતી. ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દેતાં હવે જામીન મેળવવા માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજના અગ્રણીઓએ પ્રસંગોપાત યોજાયેલા સંમેલનમાં જયસુખ પટેલનું આડકતરી રીતે સમર્થન કર્યું હતું. પરંતુ કોર્ટ હવે જામીન ફગાવી દેતાં જયસુખ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમણે જામીન મેળવવા માટે હવે છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર