સચિન રેલવે ટ્રેક પાસે રહેતા પરિવારો ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તે પ્રકારની ઘટના બની છે. સાંજના સમયે બંને બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા. ત્યાર બાદ તેઓ પરત ન ફરતા પિતાએ આસપાસ તેમના બાળકોની શોધખોળ કરી પરંતુ તે મળ્યા ન હતા. આખરે રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. મોડી સાંજે બંને બાળકોના પિતાને જાણ કરવામાં આવી કે તેમના બાળકોના મૃતદેહ રેલવે ટ્રેક પાસે પડેલા છે. પ્રથમ દૃષ્ટિએ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, રમતા રમતા આ બાળકો રેલવે ટ્રેક પાસે હતા. તે દરમિયાન ટ્રેનની અડફેટે આવી જતા મોત નિપજ્યું છે. એક સ્થાનિકે જણાવ્યું કે, હું તેમના પિતાનો મિત્ર છું, મને આજે સવારે જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે તેના પિતા સાથે વાત થતા તેમણે જણાવ્યું કે, બંને બાળકો સાંજે રેલવે ટ્રેક તરફ રમવા જતા રહ્યા હતા અને ત્યાં તેમના મૃતદેહ મળી આવ્યા છે. એમના માતા-પિતાને પણ શંકા છે કે રેલવેની અડફેટે આવી જતા મોત નિપજ્યું છે. જોકે હવે પોસ્ટમોર્ટમ બાદ જ જાણ મોતનું સાચું કારણ જાણી શકાશે.