અત્યંત ગરીબ પરિવારની બાળકીને શોધવા સોલા પોલીસે હાઇટેક્નોકલોજી ઉપયોગ કર્યો, ડ્રોનની મદદથી 8 કિલોમીટર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું

શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (16:27 IST)
હેબતપુર ફાટક નજીક છાપરામાં રહેતી 10 વર્ષની બાળકી છેલ્લા પાંચ દિવસથી ગુમ થઈ છે
સોલા પોલીસે હ્યુમન સોર્સથી લઈ ટેકનોલોજીની મદદથી બાળકીને શોધવાના પ્રયત્ન શરૂ કર્યા
અમદાવાદ
શહેરના હેબતપુર ફાટક નજીક આવેલા ખુલ્લા મેદાનમાં છાપરા બાંધીને રહેતા અત્યંત ગરીબ પરિવારની 10 વર્ષની દીકરી છેલ્લા પાંચ દિવસથી ગુમ થઈ છે. જેને શોધવા સોલા પોલીસ દિવસ રાત એક કરી રહી છે. સોલા પોલીસે બાળકીને શોધવા માટે ટેકનોલોજીની પણ મદદ લીધી છે. આસપાસના વિસ્તારોમાં બાવળ અને ઝાડી ઝાંખરા હોય તેની તપાસ માટે ડ્રોન ઉડાડી અને તેની શોધખોળ કરી હતી. આસપાસમાં આવેલા 7થી 8 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન કર્યું હતું. જો કે બાળકીનો કોઈ અતોપતો મળ્યો નથી. બાળકીને શોધવા પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે.
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કવ 17મીએ સાંજે બાળકી ગુમ થયાની ફરિયાદ લઈ આવતાં તાત્કાલિક બાળકીને શોધવા માટે પોલીસ સ્ટાફ આસપાસના વિસ્તારોમાં ફર્યો હતો. બાળકીના ફોટા સોશિયલ મીડીયામાં વાઇરલ કરી અને તેની માહિતી કોઈને મળે તો સોલા પોલીસને જાણ કરવા કહ્યું હતું. ત્રણ દિવસ સુધી સર્ચ કરવા છતાં બાળકી મળી આવી ન હતી. ઘણી શંકા કુશંકાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકીને શોધવા ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો છે. જે વિસ્તારમાંથી બાળકી ગુમ થઈ છે ત્યાં આસપાસના વિસ્તારોમાં માત્ર ઝાડી- ઝાંખરા છે જેથી સર્ચ ઓપરેશન માટે ડ્રોનની મદદ લેવામા આવી હતી. આસપાસના અંદાજે 8 કિલોમીટર વિસ્તારમાં ડ્રોન અને સોલા પોલીસના 70 માણસોની ટીમો બનાવી અને શોધખોળ કરી હતી. 
 
 
આસપાસના 10 પોલીસ સ્ટેશનમાં પણ બાળકીના ફોટો મોકલવામાં આવ્યા છે. જો કે હજી સુધી બાળકી મળી નથી. પોલીસ તમામ દિશામાં તપાસ કરી તેની શોધખોળ કરી રહી છે.તેના પરિવારમાં માતાપિતા પાટણ ખાતે રહે છે જેથી ત્યાં પણ એક ટીમ મોકલી અને તપાસ કરાવી પૂછપરછ કરી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. બાળકી થોડી માનસિક અસ્વસ્થ જેવી છે. જેથી રમતા રમતા ક્યાંય દૂર નીકળી ગઈ હોય શકે  છે. 
 
મૂળ પાટણના ખાખર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદમાં હેબતપુર ફાટક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં છાપરા બાંધીને રહેતાં પસીબેન વાલ્મિકી તેમના બે દીકરા અને તેમની પુત્રવધુ અને પુત્ર સાથે સહપરિવાર રહે છે. પરિવાર અત્યંત ગરીબ કચરો વીણી અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. પસીબેનના મોટાભાઈ પાટણના ખાખર ગામે રહે છે. એક મહિના પહેલા પસીબેન ગામડે ગયા હતા ત્યારે 10 વર્ષની તેમના મોટાભાઈની દીકરી અને ભત્રીજીને અમદાવાદ સાથે લઇ આવ્યા હતા. એક મહિનાથી પરિવાર સાથે બાળકી રહેતી હતી. 17 જાન્યુઆરીના રોજ સાંજે ચારેક વાગ્યાની આસપાસ બાળકી રમવા બહાર ગઈ હતી. સાંજે જ્યારે પસીબેન તેને બોલાવવા માટે ગયા ત્યારે બાળકી આસપાસમાં મળી આવી ન હતી જેથી તેઓએ પોલીસને સાંજે જાણ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર