રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ

શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (16:26 IST)
રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડાં થયાંનો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લડ ચડાવી દીધું અને હોસ્પિટલમાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હોય એવી આફત આવી પડી છે. આવી ઘોર બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા પુત્રની જિંદગી જોખમમાં મુકાઈ છે. હાલ તો પરિવારની વહારે રાજકોટ કોંગ્રેસ આવી છે અને આજે પીડિત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી. કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને એક જ માગ કરી રહ્યા છે કે જવાબદારોને કડકમાં કડક સજા થવી જોઇએ.રડતાં રડતાં પિતાએ આક્ષેપ સાથે કહ્યું હતું કે અત્યારસુધી તો મારો વહાલસોયો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હતો પણ બ્લડ બેંકની આવડી મોટી ભૂલને કારણે હવે HIV ગ્રસ્ત થઈ ગયો છે. થેલેસેમિયાગ્રસ્ત હોવાથી જન્મ થયા બાદ દર 15 દિવસે અમે બ્લડ ચડાવતા હતા. હવે તેનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી માગ એટલી જ છે કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બ્લડ બેંકવાળાએ બ્લડ ચેક કર્યા વગર એને બ્લડ ચડાવી દીધું છે. આવું બીજા કોઈ બાળક સાથે ન થાય એ માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.પિતાએ વધુમાં જણાવ્યું હતું કે મારો પુત્ર એક વર્ષનો હતો ત્યારથી સિવિલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં થેલેસેમિયાનું બ્લડ ચડાવવામાં આવે છે. આજદિન સુધી અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં બ્લડ ચડાવ્યું નથી. જ્યારે જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે તેના બ્લડ સેમ્પલના અમુક રિપોર્ટ કરાવવામાં આવતા હતા તેમજ દર છ મહિને HIV ટેસ્ટ પણ થતા હતા. જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે ફાઇલમાં તારીખ નાખવામાં આવતી અને યુનિટ નંબર નાખવામાં આવતા અને ડોક્ટરની સહી થતી.છેલ્લે 4 જાન્યુઆરી 2021ના રોજ સિવિલમાં બ્લડ ચડાવવા ગયા ત્યારે નિયમ મુજબ HIV ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને અમે આઘાતમાં સરી પડ્યા. અંતે, ડોક્ટરને પૂછતા તેમણે જણાવ્યું કે તપાસ કરવી પડશે. HIVવાળું બ્લડ આવી ગયું હોય તો આવું થઇ શકે. પિતાનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બ્લડનું નિરીક્ષણ કર્યા વગર મારા પુત્રને ચડાવી દીધું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર