ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, અત્યાર સુધી 69 લોકોના મોત

બુધવાર, 13 જુલાઈ 2022 (10:42 IST)
ગુજરાતમાં દિવસેને દિવસે પૂર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગામ હોય કે શહેર, બધું જ ડૂબી ગયું હોય એવું લાગે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. નવસારીમાં પૂરના કારણે સૌથી વધુ તબાહી થઈ રહી છે તો રાજકોટમાં પણ તબાહી જોવા મળી રહી છે.
 
જ્યારે રાજ્યમાં આગામી તા. ૧૩ થી ૧૭ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે 
 
આ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. 
 
રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત  કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતુ કે રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી-૧,બનાસકાંઠા-૧,ભરૂચ-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧,ગીરસોમનાથ-૧,જામનગર-૧,જુનાગઢ-૧,કચ્છ-૧,નર્મદા-૧,નવસારી-૨,રાજકોટ-૧,સુરત-૧ અને તાપીમાં-૧ એમ NDRFની કુલ -૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર-૧,નર્મદા-૧, આણંદ-૧,ભરૂચ-૨, છોટાઉદેપુર-૧,ડાંગ-૧,ગીરસોમનાથ-૨,જામનગર-૧,ખેડા-૨,મોરબી-૧,નર્મદા-૧,પાટણ-૧,પોરબંદર-૧,સુરેન્દ્રનગર-,તાપી-૧ આમ SDRFની કુલ ૧૮ પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.
 
વલસાડમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મારબી, તાપી કચ્છમાં સર્વત્ર તબાહીનો વરસાદ વરસી રહ્યો છે. રાહત અને બચાવ માટે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રવાહના આ સંકટમાં NDRFના જવાનો કોઈ દેવદૂતથી ઓછા નથી. નવસારીના હિદાયત નગરમાં મંગળવારે આઠથી નવ ફૂટ જેટલું પાણી ભરાયું હતું. પૂરના ભયંકર સ્વરૂપને જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ પ્રવાસ કર્યો હતો.
 
નવસારી ઉપરાંત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વલસાડ અને ડાંગ જિલ્લાના હવાઈ સર્વેક્ષણ બાદ પૂર પ્રભાવિત લોકોને મળ્યા હતા. તેમણે રાહત શિબિરમાં રહેતા લોકોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. રાજકોટ જિલ્લામાં મંગળવારે થોડા કલાકોમાં 196 મીમી વરસાદ નોંધાયો હતો. મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં છેલ્લા 24 કલાકમાં 534 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે તિલકવાડા અને સાગબ્રા તાલુકામાં અનુક્રમે 508 મીમી અને 422 મીમી વરસાદ નોંધાયો હતો.
 
સુરતના ઉમરપાડામાં 427 મીમી અને વલસાડના કરપાડામાં 401 મીમી નોંધાયો હતો. નર્મદા, સુરત, ડાંગ, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા અને રાજ્યના મધ્ય ભાગમાં આવેલા પંચમહાલ ઉપરાંત છોટા ઉદેપુરમાં છેલ્લા એક દિવસમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લા તેમજ કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં બુધવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર