વાવડીમાં ટ્રેક્ટર સાથે ફસાયેલા 10 લોકો હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરાયા, નાયકા ડેમ થયો ઓવરફ્લો

રવિવાર, 11 ઑગસ્ટ 2019 (19:22 IST)
: ધાંગધ્રા પાસે વાવડી ગામે પાણીમાં ટ્રેક્ટર સાથે ફસાયેલા લોકોને તેમ જ જામનગરના બાંભલાના એક બહેનને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં 18 એન.ડી.આર.એફ. તેમજ 11 એસ.ડી.આર.એફ. ટુકડીઓ ઉપરાંત  આર્મી અને એરફોર્સ પણ વરસાદી સ્થિતિમાં બચાવ રાહત માટે તૈનાત છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસે વાવણી ગામમાં પાણીમાં ટ્રેક્ટરમાં ફસાયેલા લોકોને તેમજ જામનગરના બાલંભાના એક બહેનને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાકમાં વરસાદની કરેલી આગાહીને પગલે આ વિસ્તાર સહિત સમગ્ર રાજયના જિલ્લા કલેક્ટરો અને તંત્રને સાબદા કર્યા છે.
 
મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રાના વાવડી ગામે નદીમાંથી ટ્રેક્ટર લઈને જતા લોકો પાણીના વહેણમાં ફસાયા હતા. ત્યારે સ્થાનિક વહીવટી તંત્રએ આ બચાવ કામગીરી માટે વાયુસેનાની મદદ માંગી હતી. ત્યારે ફસાયેલાને બચાવવા માટે હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યા હતા. દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 
 
સુરેન્દ્રનગર જિલ્લામા અવિરત વરસી રહેલ વરસાદને પગલે સુરેન્દ્રનગરનો ધોળી ધજાડેમ તેમજ મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાથી નાયક ડેમના ૭ દરવાજા હાલ ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી. તેમણે રાજ્યના જિલ્લાઓના તંત્રવાહકો પાસેથી તેમના જિલ્લાની વરસાદી સ્થિતિની માહિતી ટેલિફોનિક વાતચીત કરીને મેળવી પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પાછલા 24 કલાકના વરસાદથી ઉકાઈ અને સરદાર સરોવર નર્મદા ડેમ  ભરાઈ ગયા છે. રાજ્યમાં 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે તેમજ 42 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે.
 
તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે રાજ્યના જળાશયોમાં 56 ટકા પાણી હતું, જયારે આ વર્ષે સારા વરસાદથી  અત્યાર સુધીમાં જ કુલ 60 ટકા જળ સંગ્રહ થઇ ગયો છે. આ વરસાદને પરિણામે રાજ્યમાં 6000 લોકોને સલામત સ્થળે  ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં આ વરસાદથી કુલ 11 માનવ મૃત્યુ થયા છે.
 
વિજય રૂપાણીએ વરસાદની વિગતો આપતા કહ્યું કે, સમગ્ર રાજ્યમાં 250 મી.મી.થી ઓછો વરસાદ થયો હોય તેવા માત્ર 15 જ તાલુકા રહ્યા છે. બાકી બધા જ તાલુકાઓમાં 250 મી.મી. પાણી પડ્યું છે.
રાજ્યમાં ગત વર્ષે 10 ઓગષ્ટ સુધીમાં 459.91 મી.મી વરસાદ થયો હતો, તેની સામે આ વર્ષે 634.82 મી.મી. વરસાદ વરસ્યો છે. જળાશયોમાં વધારાના આવતા પાણી પણ લોકોને તકલીફ ન પડે તે રીતે છોડવાની સૂચના આપી છે.
 
વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ, જામનગર સહિતની સ્થિતીની ખાસ ચિંતા કરીને જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં થયેલા અતિ વરસાદની માહિતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિગતે વાત કરી મેળવી હતી.
 
રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે તેવા સ્થળોએ બચાવ અને મદદ માટે વડોદરાથી આર્મીની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે. જામનગર અને નવસારીથી એન.ડી.આર.એફ.ની  ટીમને પણ રાજકોટ પહોંચાડવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર