Heavy Rain In Gujarat - ગુજરાત પર એકસાથે બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, 23-24 અને 25 ઓગસ્ટે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
શુક્રવાર, 22 ઑગસ્ટ 2025 (12:14 IST)
heavy rain forecas
હવામાન વિભાગના ડેટા પ્રમાણે હજુ પણ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદ પડવાનો ચાલુ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ તા. 22 કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાનનો ડેટા દર્શાવે છે કે અત્યાર સુધી ચોવીસ કલાકમાં દાદરા અને નગરહવેલીમાં ચાર ઇંચ, આણંદમાં એક ઇંચ, અરવલ્લીમાં બે ઇંચ, ભરૂચમાં1.25 ઇંચ, દમણમાં 3.40 ઇંચ, ખેડામાં એક ઇંચ, મહીસાગરમાં ત્રણ ઇંચ, નર્મદામાં 1.25 ઇંચ, નવસારીમાં 6.50 ઇંચ, વલસાડમાં 5 ઇંચ, તાપીમાં 3 ઇંચ, ભાવનગરમાં 1.30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં પોણા ચાર ઇંચ, જૂનાગઢમાં 5.25 ઇંચ, પોરબંદરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુર, પારડી, કપરાડા તથા નવસારીના ખેરગામ, સાબરકાંઠાના તાલોદ, ડાંગ, અરવલ્લીના ધનસુરામાં સારો એવો વરસાદ પડ્યો છે.
એકંદરે જોવામાં આવે તો સુરત, તાપી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં છૂટાછવાયાં સ્થળો પર અતિભારે વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં નર્મદા, ભરૂચ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે.
તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના આંકડા અને બુલેટિન દર્શાવે છે કે ગુજરાતમાં અત્યારે એકસાથે બે સિસ્ટમ સક્રિય છે જે વરસાદ લાવી રહી છે.
હાલમાં કચ્છ અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તાર પર સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન જળવાઈ રહ્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારા પર એક ઑફશોર ટ્રફની રચના થઈ છે અને તે જળવાઈ રહ્યું છે.
હાલમાં જેસલમેર, કોટા, દાતિયા, સીધી, રાંચી, બાનકુરા, દીઘા પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે જે બંગાળની ખાડી સુધી પહોંચે છે અને તે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ આવેલું છે.
ગુજરાતમાં હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તથા કચ્છ જિલ્લામાં 22 ઑગસ્ટે છૂટાછવાયાં સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર અને મોરબીમાં કેટલાંક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.
આ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.
23 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાંક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
23 ઑગસ્ટ, શનિવારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી છે. શનિવારે ગુજરાતના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
24 ઑગસ્ટ, રવિવારની આગાહી પ્રમાણે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અપાયું છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રવિવારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને આ વિસ્તારોને યલો ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
સોમવાર, 25 ઑગસ્ટે પણ આવી જ સ્થિતિ રહેશે અને અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાત જિલ્લા માટે સોમવારે ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.