હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વડા અને મ્યુનિ.કમિશ્નરની ઝાટકણી કાઢી, 9 ઓગસ્ટ સુધી નક્કર કાર્યવાહી કરવા હૂકમ

મંગળવાર, 25 જુલાઈ 2023 (18:27 IST)
અમદાવાદ શહેરમાં રોડ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી
 
Ahmedabad News શહેરમાં રોડ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકારને લાલ આંખ કરીને કહ્યું હતું કે, નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે. શહેરના બંને કમિશ્નર સામે ચાર્જ ફ્રેમ કેમ ના કરી શકાય? કોર્ટે ટ્રાફિક અને પાર્કિંગ અંગે કાયદાકીય કાર્યવાહી કરવા અને ચોક્કસ પરિણામ લાવવા માટે 9 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. 
 
એક્સિડન્ટમાં સાબિત થયું કે ત્યાં CCTV કેમેરા નહોતા
હાઈકોર્ટમાં ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગ મુદ્દે રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા વધુ સમય માગ્યો હતો, જેને કોર્ટે આપવા ઇનકાર કર્યો હતો. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે તમે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે કયાં પગલાં લીધાં છે? તમને ખબર છે ઈસ્કોન બ્રિજ અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે? આરોપીઓને કાયદાનો ડર નથી. તમારે કાયદાનો અમલ કરાવવો નથી. તમે CCTV કેમેરાની વાત કરી હતી. આ એક્સિડન્ટમાં સાબિત થયું છે કે ત્યાં CCTV કેમેરા નહોતા.
 
પોલીસ કર્મચારી ચૂપચાપ રોડ ઉપર ઊભા રહે છે
કોર્ટે પોલીસની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ કર્મચારી ચૂપચાપ રોડ ઉપર ઊભા રહે છે. ટ્રાફિક-પોલીસ કશુ કરતી નથી. કોર્ટ શા માટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી ના કરે? કાયદાનો ડર લોકોમાં હોવો જોઈએ. ઇ-ચલણ તો ચાર રસ્તે ટ્રાફિક નિયમો તોડતા લોકો માટે છે. તમે કેમ એવી વ્યવસ્થા કેમ નથી કરતા કે કોઈપણ વાહન રોંગ સાઈડમાં કે પાછળ જઈ શકે નહીં. ? હવે સમય પાકી ગયો છે કે પોલીસે કડક બનવું પડશે. રાત્રે શહેરના રોડ પર પોલીસ પેટ્રોલિંગ થતું નથી. રોડ ઉપર લોકો સ્ટંટ કરે છે. હાઈકોર્ટમાં સરકારી વકીલે એક મહિના સુધી ચાલનારી પોલીસ ડ્રાઈવ વિશે દલિલ કરી હતી. 
 
કોર્ટે વધુ સુનાવણી 9 ઓગસ્ટે નક્કી કરી છે
આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આતો થોડા દિવસ જ ચાલશે પછી શું? સરકારી વકીલે 1 મહિનો શહેરમાં ચાલનારી પોલીસ ડ્રાઇવ વિશે કોર્ટને માહિતગાર કર્યા હતા. જોકે કોર્ટે કહ્યું હતું કે આ થોડા દિવસ જ ચાલશે, પછી શું? સરકારી વકીલે કહ્યું હતું કે ઓથોરિટીએ પાર્કિંગ બનાવ્યા છે, જેનો લોકો ઉપયોગ કરતા નથી. પોલીસ સવારે 7થી રાતના 9 સુધી રોડ ઉપર રહે છે. કોર્ટે અમદાવાદ પોલીસને મુંબઈ અને દિલ્હીમાં જઈને ટ્રેનિંગ લેવા કહ્યું હતું. તેમજ ટકોર કરી હતી કે હવે ટ્રાફિક નિયમ તોડનારને ગુલાબ આપવાનું બંધ કરો. સરકારી વકીલે કાયદાના કડક અમલની ખાતરી આપતાં કોર્ટે વધુ સુનાવણી 9 ઓગસ્ટે નક્કી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર