ગુજરાતમાં 2002માં અમિત શાહ 38 વર્ષે, 1994માં કોંગ્રેસના નરેશ રાવલ 35 વર્ષે, હવે ભાજપના હર્ષ સંઘવી 37 વયે ગૃહમંત્રી બન્યાં
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ નવા પ્રધાનમંડળની રચના કરી છે. આજે નવા વરાયેલા પ્રધાનોને ખાતાઓની પણ વહેંચણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની વરણી કરવામાં આવી છે.હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના પ્રધાન તો છે જ, સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહરાજ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું.જ્યારે હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે.જો કે બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં.અમિત અનિલચંદ્ર શાહનો જન્મ વણિક પરિવામાં 1964માં થયો હતો.તેમના પિતા વેપાર સાથે સંકળાયેલા હતાં. જ્યારે હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલા છે. આરએસએસ સાથે સંકળાયેલા અમિત શાહ વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં આવી ગયાં હતાં. એબીવીપીમાંથી તેઓ 1987માં ભાજપમાં જોડાયાં હતાં. બાદમાં વોર્ડ સેક્રેટરીની જવાબદારીઓમાંથી આજે ગૃહમંત્રી બન્યાં છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં 2002ની ચૂંટણીમાં અમિત શાહ સરખેજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને ભારે જંગી બહુમતિથી વિજયી થયા બાદ સૌથી નાની વય એટલે કે,37 વર્ષની વયે ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં. જ્યારે હર્ષ સંઘવી શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યાં હતાં. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતિથી જીતિને આજે સૌથી નાની વયે 36 વર્ષની ઉંમરે ગૃહરાજ્યમંત્રી બન્યાં છે.અમિત શાહ તેમના સમયમાં યુવા ભાજપને સક્રિય રીતે જોડાયેલા હતાં. જ્યારે હાલ હર્ષ સંઘવી પણ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય કક્ષાના નેતા છે. હર્ષ અને અમિત શાહ બન્ને ઈવેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર ગણાય છે. બન્ને નેતાઓની સામ્યતા એ છે કે, બન્ને નેતાઓ લોકો અને કાર્યકરો સાથે ગ્રાઉન્ડ લેવલથી જોડાયેલા છે. તો રાષ્ટ્રીય રાજનીતિમાં મોવડી મંડળના પણ પ્રિય રહ્યાં છે.બિનભાજપી સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીની વાત કરીએ તો સૌથી નાની વયે નરેશ ગંગારામ રાવલ સૌથી નાની વયના 35 વર્ષના ગૃહરાજ્યમંત્રી હતાં. તેમની જન્મતારીખ 11/11/1959 છે. તેઓ ચીમનભાઈની સરકારમાં વર્ષ 1994માં ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં. જે વખતે તેમની ઉંમર 35 વર્ષ હતીં. જો કે, ગુજરાત ભાજપમાં અમિત શાહ પછી હર્ષ સંઘવી સૌથી નાની વયના ગૃહરાજ્યમંત્રી બન્યાં છે.