ઉપવાસનું સ્થળ પાર્કિંગ જાહેર કરાયું ત્યાં હાર્દિક ગાડી પાર્ક કરી ઉપવાસ કરશે
શનિવાર, 18 ઑગસ્ટ 2018 (13:02 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, પાટીદારો માટે અનામત અને ખેડૂતોના મુદ્દે નિકોલ ખાતે ઉપવાસ માટે મંજૂરી માગવા છતાં છેલ્લા બે મહિનાથી તંત્ર દ્વારા આપવામાં આવી રહી નથી. આ ગેરબંધારણીય નિર્ણય સામે ૧૯મીને રવિવારે નિકોલ ખાતે પાર્કિંગ ઝોન જાહેર કરેલા મેદાનમાં એક દિવસ માટે ગાડી પર બેસીને પાસના કાર્યકરો સાથે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.
પૂર્વ પીએમ સ્વ. વાજપેયીના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે તેને ધ્યાનમાં રાખીને તેમનું સન્માન કરતા મોઢા પર કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે. વાજપેયીને શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરાશે. ૨૫મીથી ઉપવાસ આંદોલન પણ નિકોલમાં જ યોજાશે. પોલીસ કમિશનર પાસે ઉપવાસની જગ્યાના મુદ્દે આવેદનપત્ર આપવા ગયેલા હાર્દિક પટેલની ગાડીના ડ્રાઇવરને સીટ બેલ્ટ અને કાળી ફિલ્મ લગાડવા માટે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.