ગુજરાતના કબૂતરબાજોએ લાલચમાં એક કરોડ ગુમાવ્યા, હોટેલમાં રાત્રે ડીલ થઈ અને સવારે રૂપિયાની બેગ ગાયબ

બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (15:03 IST)
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ગાંધીનગરના કુડાસણમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતાં એજન્ટના પેસેન્જરોને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે દિલ્હીના શખ્સોએ એક હોટલમાં રોકડા રૂપિયા બતાવવા માટેની મિટિંગ કરી હતી. જેમાં એજન્ટને કોઈ પદાર્થ સૂંઘાડી બેભાન કરી દઈ દિલ્હીના લેભાગુ એજન્ટો એક કરોડ રોકડા લઈને ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના રમેશભાઈ ચૌધરી કુડાસણ રાધે આર્કેડ કોમ્પલેક્ષમાં "ગુડ ઓવરસીસ" નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે. તેમણે માણસાના સૌલૈયા ગામના રાજુ પટેલના વિઝાનું કામ કર્યું હતું. જેના થકી વિઝાનું કામ કરતા એજન્ટ ગોવિંદભાઈ પટેલ સાથે પરિચય થયો હતો.ગોવિંદ રમેશભાઈને ગેરકાયદેસર વિઝાનું કામ કરવા દબાણ કરતો હતો. ગોવિંદ પટેલે ફોન કરીને રમેશભાઈને કહેલું કે, હાલ દિલ્હીમાં રહેતો જાસ બાજવા નામનો એજન્ટ મારો મિત્ર છે. જેનું કામ સારું છે. તમે રૂપિયાનું રોકાણ કરો તો ફાયદો થશે. આપણે માત્ર રૂપિયાનો વીડિયો બનાવીને જાસ બાજવાને બતાવવાનો છે. રમેશભાઈ, ગોવિંદ પટેલ અને અન્ય એક દિવ્ય પંચાલ નામના એજન્ટ ભેગા થયા હતા. ત્યારે દિવ્ય પણ તેના બે પેસેન્જરોને ઉક્ત શરતે મોકલવા તૈયાર થઈ ગયો હતો.

નક્કી થયા મુજબ રૂપિયાનો વીડિયો બનાવીને રમેશભાઇએ 25 જાન્યુઆરીએ ગોવિંદને મોકલી આપ્યો હતો. બીજા દિવસે ટ્રાવેલ્સની ટિકિટ બુક કરાવી બધા દિલ્હી પહોંચ્યા હતા. એક હોટલમાં જાસ બાજવાને મળ્યા હતા. ત્યારે તેણે રૂબરૂમાં રૂપિયા દેખાડવા કહ્યું હતું. રૂપિયા બતાવવા તૈયાર થઈ જતાં જાસ બાજવાના બે માણસો મહેસાણા પહોંચ્યા હતા.રમેશભાઈએ બાજવાના માણસોને સરગાસણની એક હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.રમેશભાઈ દિલ્હીથી ફ્લાઈટમાં પરત આવી ગયા હતા અને અલગ અલગ મિત્રો પાસેથી પહેલાં 55 અને પછી 20 એમ કુલ એક કરોડની વ્યવસ્થા કરી દીધી હતી. એ વખતે બાજવાના માણસોએ ઉક્ત હોટલમાં ભીડ બહુ હોવાનું કહી બીજે રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જેથી રમેશભાઈએ તેના મિત્ર જયમીન પટેલ સાથે ભાઈજીપુરા પાટિયા નજીકની એક હોટલમાં ગોઠવણ કરી હતી. બાદમાં દિલ્હીના માણસોની સામે રૂમમાં રૂપિયા ગણીને કબાટમાં મૂક્યા હતા અને રાત્રીના બધા જમીને સૂઇ ગયા હતા.રાત્રીના અચાનક ગભરામણ જેવું લાગતા રમેશભાઈ ઊઠી ગયા હતા અને તેમના છાતીના ભાગે ગાદલું હતું. તેમજ રૂમમાં પણ કોઈ દેખાયું ન હતું. જ્યારે કબાટમાંથી રૂપિયા પણ ગાયબ હતા. ત્યારે જયમીન પટેલનો ફોન આવેલો કે, બે માણસો રૂપિયા લઈને વોક્સ વેગન ગાડીમાં નાસી ગયા છે. બાદમાં રમેશભાઈએ ગોવિંદ અને દિવ્ય સહિતના પેસેન્જરોને પરત ગાંધીનગર બોલાવી લીધા હતા. આ અંગે રમેશભાઈએ દિલ્હીના જાસ બાજવા, અમિત ઉર્ફે અમરીનદર સહિતના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર