અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં ફાઈનલ ચેકિંગ દરમિયાન નહીં બેઠેલા મુસાફરને ફ્લાઇટ અટેન્ડને ફોન કર્યો તો સામેથી ફ્લાઈટમાં હું કેમ આવું ફ્લાઇટમાં બોમ્બ છે તેવો જવાબ મળતા સમગ્ર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ફ્લાઇટના કર્મચારીએ સીઆઇએસએફને કરતા સીઆઇએસએફએ અમદાવાદ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે તપાસ કરતા આ ફ્લાઇટમાં એક મુસાફરે આવી વાત કરી હતી. હાલ પોલીસે આ શખસની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર આજે સાંજે અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ ઉપડવાની હતી. દરેક પેસેન્જર પોતાનું ચેકિંગ કરી રહ્યા હતા. ફ્લાઇટ ઉપડવાને થોડો જ સમય બાકી હતો ત્યારે વિનીત નોડિયલ નામનો પેસેન્જર ફ્લાઇટમાં પહોંચ્યો ન હતો. ફ્લાઇટમાં ચેકિંગ કરાવનાર સ્ટાફે વિનીતને ટિકિટમાં આપેલા નંબર પર ફોન કર્યો ત્યારે ફોન રીસિવ કરનારે જણાવ્યું હતું કે, મેં તુમારી ફ્લાઇટ મેં ક્યું બેઠું, તુમારી ફ્લાઇટ મેં બોમ્બ હૈ અને ફોન કરનારને ફાળ પડી અને તેણે તાત્કાલિક સીઆઇએસએફને જાણ કરી હતી.સીઆઇએસએફએ તાત્કાલિ આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. જોકે આ વચ્ચે સીઆઇએફ દ્વારા ફાયરને કોલ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ મોકડ્રીલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પેસેન્જર દ્વારા ફોનમાં બોમ્બ હોવાની માહિતી આપી હોવાનું જાણવા મળતા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ટિકિટ નંબર અને ટિકિટ બુક કરાવનાર વિશે વિગતો મેળવવાનું શરૂ કર્યું. આખરે પોલીસને વિનીત મળી આવ્યો હતો. હાલ પોલીસે વિનીતની પૂછપરછ હાથ ધરી છે.