કેબિનેટ બેઠકમાં પરષોત્તમ સોલંકી સતત બીજી વાર ગેરહાજર રહેતાં અટકળો શરૂ
બુધવાર, 10 જાન્યુઆરી 2018 (16:19 IST)
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં પણ રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમ સોલંકીની ગેરહાજરીથી ફરી રાજકીય ગરમીનો માહોલ પેદા થઈ ગયો છે. સતત બીજી વાર એવું બન્યું છે કે સોલંકી રૂપાણી કેબિનેટની બેઠકમાં હાજર ના રહ્યા હોય. વિજય રૂપાણી કેબિનેટની બેઠક સવારે 10.10 કલાકે શરૂ થઈ ગઈ હતી પણ સોલંકી બેઠકમાં પહોંચ્યા નહોતા. સોલંકીએ અગાઉ જ પોતાની નારાજગી દૂર થઈ ગઈ હોવાની જાહેરાત કરી છે છતાં આ વખતે તે કેમ હાજર ના રહ્યા તે અંગે જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. સોલંકી અંગત કારણોસર ગેરહાજર રહ્યા હોવાનું મનાય છે. ગયા અઠવાડિયે પણ ગાંધીનગર ખાતે રૂપાણી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણીથી નારાજ કોળી નેતા અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી ગેરહાજર રહ્યા હતા. કેબિનેટમાં હાજર રહેવાના બદલે સોલંકીએ પોતાના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની સમાંતર બેઠક યોજી હતી. સોલંકીએ તેના આગલા દિવસે જ રૂપાણીને મળીને પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે પાંચ પાંચ ટર્મથી જીતે છે, તેને કમ સે કમ સારું ખાતું આપવું જોઇએ. તેની જગ્યાએ મને સારૂં કોઈ સ્થાન આપ્યું નથી. ગાંધીનગરમાં મળેલી રૂપાણી સરકારની ત્રીજી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીની ગુજરાત મુલાકાત, ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂતોને સિંચાઈને લઈને સતાવી રહેલા પ્રશ્ન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી બજેટ સત્ર અને બજેટની તૈયારી અંગે પણ ચર્ચા કરાઈ હતી.