કોંગ્રેસના ઉમેદવારો પાસેથી પક્ષવિરોધીઓની વિગતો મગાવાઈ

શનિવાર, 30 ડિસેમ્બર 2017 (12:26 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં ભરવાની કરેલી જાહેરાતને પગલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ચૂંટાયેલાં ધારાસભ્યો સહિત ચૂંટણી લડેલાં ૧૮૨ ધારાસભ્યોને પત્ર લખીને તેમના વિસ્તારમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા અને પક્ષ માટે કામ કરનારા લોકોની ડીટેઈલ વિગતો મગાવી છે. આ વિગતો માટે સત્તાવાર રીતે ફોર્મ પણ છપાવવામાં આવ્યા છે. આ ફોર્મની વિગતો ભરીને બીજી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ સમિતિને પરત મોકલવા આદેશ કરાયો છે. આ અહેવાલ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. 

રાહુલ ગાંધીની આ ટકોરને પગલે પ્રદેશ સમિતિ દ્વારા દરેક ઉમેદવારોને પક્ષની વિરુદ્ધમાં કામ કરનારા લોકોની માહિતી મગાવતું એક ચોક્કસ ફોર્મેટનું ફોર્મ મોકલવામાં આવ્યું છે.  કોંગ્રેસમાં વિરોધપક્ષના નેતાની પસંદગી માટે આગામી ૪-૫ જાન્યુઆરીએ અમદાવાદ અથવા ગાંધીનગર સરકીટ હાઉસમાં ધારાસભ્યો સાથે બેઠક યોજવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં વિપક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના મહામંત્રી અશોક ગેહલોત અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહને જવાબદારી સોંપી છે. આ બંને નેતા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવીને ધારાસભ્યોનો સેન્સ લઈને હાઈકમાન્ડને વિપક્ષી નેતાપદના દાવેદારનું નામ સુપરત કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર