ખેડૂતો પાસેથી વીમાના પ્રિમિયમના ૮૦૦ કરોડ વસૂલાયા પણ નુકસાનીનું વળતર ન મળ્યું - કોંગ્રેસના કુંવરજી બાવળીયા

બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:48 IST)
રાજકોટ જિલ્લામાં ગત વર્ષે પાકવીમા પ્રિમિયમના ખેડૂતો પાસેથી રૂ. ૮૦૦ કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા પણ કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને હજુ સુધી પાક વીમાની રકમ ચૂકવવામાં આવી નથી. આથી જસદણના કૉંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ ખેડૂતોને પાકવીમાની રકમ નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી આપી છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષે વરસાદ નબળો પડ્યો હતો. કેટલાય ગામો અછત-અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા હતા. આખાય જિલ્લામાંથી સરકારે ખેડૂતો પાસેથી ૫૫૦ કરોડ રૂપિયા મગફળી પ્રિમિયમના અને ૨૫૦ કરોડ જે કપાસના પ્રિમિયમની રકમ મળી કુલ ૮૦૦ કરોડની રકમ ખેડૂતો પાસેથી વસૂલ કર્યા હતા. કપાસ અને મગફળીનાં પ્રિમિયમની કુલ ૮૦૦ કરોડ પ્રિમિયમ પેટે પૈકીનાં ખેડૂતના તેમ જ સરકાર પાસેથી મગફળીના ૪૪ ટકા લેખે અને ૨૫ ટકા લેખે કપાસના પ્રિમિયમ પેટે વસૂલ્યા હતા. આટલી મોટી રકમ વસૂલ કર્યા પછી મોડેથી મગફળીનાં પાકવીમાની રકમ શૂન્ય ટકાથી કરી ૧૬ ટકા સુધી પાકવીમાની રકમ ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી હોવાનું ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ગત વર્ષ ૨૦૧૬-૧૭ના કપાસના ખરીફ પાક જેની ખેડૂતો પાસેથી આવડી મોટી રકમ પ્રિમિયમ પેટે વસૂલ કર્યા પછી રાજકોટ જિલ્લામાં ચુકવવાના થતા પાકવીમાની રકમ આજેય રાજ્ય સરકાર કોઈ નોંધ લેતી નથી. તેનો આજ દિવસ સુધી વીમા ચુકવણા અંગેના હિસાબો પણ થયા નથી. ભૂતકાળમાં યુપીએની કેન્દ્ર સરકાર હસ્તકની સરકારી કંપની મારફતે પાકવીમાની પ્રક્રિયા કરવામાં આવતી અને સમયસર ચૂકવણું કરવામાં આવતું હતું. ત્યાર બાદ આ ચાલુ સરકારે ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ના રૂપકડા નામ હેઠળ આ પાકવીમાની પ્રક્રિયા ખાનગી ચાર કંપનીઓને સોંપી દેતા આ કંપનીઓની દાંડાઈ અને નફો મેળવવાના વલણને કારણે અને કયાંક સરકારની મિલિભગતને કારણે ખેડૂતોને પાકવીમામાં નુકશાન થઈ રહ્યું છે અને લાંબો સમય થવા છતાં પણ કપાસનાં પાકવીમાનું હજુ ચુકવણું કરવામાં આવ્યું નથી. ૨૦૧૬-૧૭ના ખરીફ કપાસના પાકવીમાની રકમ જે ૨૫૦ કરોડ જેવી ચુકવવાની થાય છે તે વહેલી તકે ચુકવાય તેવી માંગણી છે. જો તેમ કરવામાં નહીં આવે તો ખેડૂતોની કપાસ પાકવીમા અંગે જાગૃત કરી આંદાલન કરવાની ફરજ પડશે. તેમ કુંવરજી બાવળિયાએ અંતમાં જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર