ગુજરાત પડશે કાતિલ કોલ્ડવેવ

મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (11:00 IST)
ભારતમાં જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર ઉત્તર ભારત અને ગુજરાત સુધી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.  ગુજરાતનાં નલિયામાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. સામાન્ય રીતે જાન્યુઆરીના મધ્યમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર ઘટવાની શરૂઆત થતી હોય છે. જો કે આ વર્ષે ચિત્ર ઉંધુ છે. ઉત્તરાયણથી હવામાન વધુ કાતિલ બની રહ્યું છે. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી ઠંડી જૂના રેકોર્ડ તોડી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડ઼ીથી લોકો ઠુંઠવાયા છે. કચ્છના નલિયામાં 2, ગાંધીનગરમાં 5.3 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. તો હિમાચલના શિમલા અને જમ્મુ કાશ્મીરના શ્રીનગરની ઠંડી કરતા પણ નીચે ગયો છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 6 ડિગ્રીએ પહોંચતા બરફની ચાદર પથરાઈ છે. 
 
ભારતીય હવામાન વિભાગની વેબસાઈટમાં દર્શાવેલ માહિતી મુજબ ગુજરાતના 11 શહેરોમાં સૌથી ઠંડુ તાપમાન નોંધાયું છે. ખાસ કરીને નલિયામાં પારો 1.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. આટલા નીચા તાપમાનના કારણે લોકો ધ્રૂજી ઉઠ્યા છે. નલિયા ઉપરાંત વલસાડમાં 5.9 ડિગ્રી, નર્મદામાં 6.6 ડિગ્રી અને પાટણમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 
ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાત રાજ્યના 13 શહેરોમાં 10 થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 10 ડિગ્રી, ભાવનગરમાં 10.2 ડિગ્રી અને અમરેલીમાં 10.3 ડિગ્રી તાપમાન છે. જ્યારે ઓખામાં તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.
 
ગુજરાત સહિત દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો નીચે ગગડ્યો છે. અહીં ફરી એક વખત પારો માઇનસમાં પહોંચ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ - 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ઠંડા પવનોથી માઉન્ટ આબુની પર્વતીય ખીણો બરફથી ઢંકાઈ છે. આબુમાં ચારેય તરફ બરફની ચાદરો છવાય ગઈ છે. મેદાનો પર બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. કડકડતી ઠંડીની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે.
 
હવમાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ સુધી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે. આગામી પાંચ દિવસ દરમિયાન પારો 3થી 6 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રીની આસપાસ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર