ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના સવાલ જવાબો, જાણો કોણે કયો પ્રશ્ન પૂછ્યો

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (17:34 IST)
રાજ્યના પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ૩૧.૧૨.૧૫ની સ્થિતિએ કુલ ૩૩,૭૨,૯૯૯ મેટ્રિકટન ખનીજનું ઉત્પાદન થયું છે. જ્યારે આ જિલ્લામાં કુલ ૨૧૨ લીઝ કાર્યરત છે, તેમ આજે ૧૪મી વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં ખાણ-ખનીજ મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.  અમરેલી અને પંચમહાલ જિલ્લામાં ખનીજ ચોરીના કુલ ૫૦ કેસ નોંધાયા છે. જેની વિવિધ તબક્કે તપાસ ચાલુ છે. પંચમહાલ જિલ્લાના હાલોલ, ગોધરા, કાલોલ, ઘોઘંબા, મોરવાહડફ, સંતરામપુર, લુણાવાડા અને જાંબુઘોડામાં વિવિધ ખનીજોનું ઉત્ખનન થઇ રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમાં સુરક્ષા આપવા તેમજ કાયદાના અમલીકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ આજે ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. ૧૪મી વિધાનસભામાં વિધાનસભામાં ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં વિવિધ સંવર્ગમાં પોલીસ દળની ભરતી અંગે પ્રશ્નોતરી કાળ દરમિયાન પૂછવામાં આવેલ પ્રશ્નના પ્રત્યુતર આપતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે તા.૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૨૦ બિન હથિયાર ધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, બિન હથિયાર ધારી આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ૨૦૦, હથિયાર ધારી પોલીસ સબ ઇન્સપેક્ટર ૧૨૪, ઇન્ટેલીજન્સ ઓફિસર ૫૯, આસી.ઇન્ટેલીજન્સ ઓફિસર ૮૨, લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) ૧૩,૦૦૦ અને એસ.આર.પી. એફ પોલીસ કોન્સ્ટેબલ ૩૭૮૦ ની સંવર્ગવાઇઝ ભરતી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૫૬ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. વિજાપુરના ધારાસભ્ય રમણભાઇ પટેલે પુછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતા ક્લાઇમેટ ચેન્જ પ્રભાગ સંભાળતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં ચાલતી સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા બીન નફાકીય સંસ્થાઓને ૭૫ ટકા અને નફાકીય સંસ્થાઓને ૫૦ ટકા સબસીડી આપવામાં આવે છે. 

રાજ્યમાં ૨૦૧૬-૧૭ના વર્ષ દરમિયાન ૩૫ બાયોગેસ પ્લાન્ટ તથા ૨૦૧૭-૧૮ના વર્ષમાં તા.૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ ૨૧ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમ મળીને બે વર્ષમાં કુલ ૫૬ બાયોગેસ સ્થાપવામાં આવ્યા છે.  વંદે ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત નવીન શરૂ થયેલી ૧૬ ચેનલો દ્વારા વિવિધ યોજનાકીય અને પ્રજાહિતને લગતા કાર્યક્રમોનું સતત પ્રસારણ કરવામાં આવે છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. એલીસબ્રીજના ધારાસભ્ય રાકેશભાઇ શાહ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સરકારશ્રીના ‘વંદે ગુજરાત’કાર્યક્રમ અંતર્ગત નવીન શરૂ થયેલી ૧૬ ચેનલો દ્વારા દૂરવર્તી શિક્ષણ, કૌશલ્ય વર્ધન, મહિલા સશક્તિકરણ, આરોગ્ય, વિભાગીય તાલીમ અને વિસ્તરણ, માર્ગદર્શન, કોમ્પ્યુટરની તાલીમ, કૃષિ અને પશુપાલન, સ્વચ્છતા અભિયાનને લગતા કાર્યક્રમોનું સતત ૨૪ કલાક પ્રસારણ કરવામાં આવે છે. આ ૧૬ ચેનલો પૈકી ૧૨ ચેનલ શિક્ષણ વિભાગ, ૧ ચેનલ શ્રમ અને રોજગાર વિભાગ, ૧ ચેનલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ૧ ચેનલ કૃષિ અને સહકાર વિભાગ તથા ૧ ચેનલ રાજ્ય સરકારના તમામ વિભાગીય તાલીમ કાર્યક્રમો માટે ફાળવવામાં આવી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.  તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગુજરાતની વિશેષતા દર્શાવતો ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, તેમ બિનનિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે ૧૪મી વિધાનસભાના સત્રમાં જણાવ્યું છે. આજે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય  શંભુજી ઠાકોર દ્વારા વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, તા.૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ કાર્યક્રમ પ્રદર્શનીમાં ગુજરાતની સંસ્કૃતિ, વાનગી તથા ગુજરાતની અન્ય જાણીતી ચીજવસ્તુઓના સ્ટોલ પ્રદર્શન, પ્રખર વક્તાઓ દ્વારા પ્રભાવશાળી વક્તવ્ય-સેમીનારના આયોજન વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશાળ સંખ્યામાં બિનનિવાસી ગુજરાતી તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે તેમજ આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના જુદા જુદા શહેરોના ગુજરાતી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહે છે. ઉપરાંત ગુજરાતની કલા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ કરાય, તેમ મંત્રીએ તેમના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર