ગુજરાતમાં 40 હજાર બૂથો પર 16 હજાર આરોગ્યકર્મી તહેનાત, જુલાઈ સુધીમાં 1.23 કરોડ લોકોને રસી અપાશે

બુધવાર, 6 જાન્યુઆરી 2021 (10:46 IST)
વેક્સિનેશન કેન્દ્ર સરકારની અનુમતિ બાદ તરત જ શરૂ થશે અને તે માટે કેન્દ્રએ જાહેર કરેલી તારીખ અનુસાર 14 જાન્યુઆરીની આસપાસ શરૂ થઇ જશે. સૌ પ્રથમ રાજ્યમાં રસી 4.31 લાખ આરોગ્ય કર્મીઓને અપાશે જેમાં સરકારી અને ખાનગી બન્ને પ્રકારની હોસ્પિટલોમાં કામ કરતાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિશિયનો, વોર્ડ બોય કે આયા બહેનો તમામને આવરી લેવાશે. ત્યારબાદ અનુક્રમે 6.93 લાખ સરકારી કર્મચારીઓ જેમાં મહેસૂલ, પોલિસ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ અર્થાત્ મહાનગર પાલિકા, નગર પાલિકા તથા પંચાયતોમાં આવતાં કર્મચારીઓ કે જેઓ ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે કામ કરી રહ્યાં છે.

ત્યારબાદ અગ્રતા જૂથ-1ના 1.03 કરોડ કે જે 50 વર્ષથી વધુ વયના છે તેમને તથા તે પછી અગ્રતા જૂથ-2ના 2.67 લાખ લોકો કે જેઓ 50 વર્ષથી ઓછી વયના પરંતુ અન્ય રોગો ધરાવતાં હોય તેવાં લોકોને રસી આપવામાં આવશે. દરેક નાગરિક માટે સરકાર બિલકુલ વિનામૂલ્યે રસી ઉપલબ્ધ કરાવશે જેમાં 28 દિવસના અંતરે બે ડોઝ લેવાના રહેશે. પરંતુ આ રસી લેવા માટે જે તે વ્યક્તિએ કેન્દ્ર સરકારે વિકસાવેલા પોર્ટલ e-VIN પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, અહીં રજીસ્ટ્રેશન નહીં હોય તો કોઇ રસી નહીં મળે. બાળકો માટે હાલ રસી ઉપલબ્ધ કરાવાશે નહીં, પરંતુ વયસ્ક લોકોને જ રસી હાલ આપવાની છે. ટ્રાયલના સફળ પરિણામ મળે પછી બાળકો માટેની રસીની માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થાય તે પ્રમાણે બાળકોને રસી અપાશે. કાળજી રાખવા માટે સરકારે આડ અસર ન થાય તે માટે દરેક વેક્સિન અપાઇ હોય તેવી વ્યક્તિઓ પર અડધોથી એક કલાક વેક્સિનેશન બૂથ પર જ બેસાડીને નજર રાખશે. આ ઉપરાંત ઘરે ગયાં બાદ તેમને કોઇ તકલીફ જણાય તો તાકીદે આરોગ્ય હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જણાવી શકે જેથી કરીને તેમનો ત્વરિત ઉપચાર થઇ શકશે. બાકી સરકાર વેક્સિનેશન બૂથ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઇજીન જળવાય તે માટે તમામ વ્યવસ્થા રાખશે. ભીડ ન થાય અને દરેક વેક્સિન લેવા આવનારી વ્યક્તિને બેસવા અને વેઇટિંગમાં વ્યવસ્થા મળે તે રીતે કામ હાથ ધરશે. દરેક વ્યક્તિને પોતાના રજિસ્ટર્ડ નંબર પર વેક્સિનેશન બૂથનું સરનામું વેક્સિનેશનની તારીખ અને સમય મેસેજ દ્વારા જણાવાશે અને તેમને પોતાના પ્રમાણિત ઓળખ કાર્ડ સાથે ત્યાં મેસેજ આવ્યો હોય તે ડિવાઇસ સહિત હાજર રહેવાનું રહેશે.ગુજરાત સરકારે તમામ 33 જિલ્લાઓમાં કુલ 40,000 જેટલાં વેક્સિનેશન બૂથ ઊભા કર્યા છે. વેક્સિનેશન બૂથ સરકારી હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, પીએચસી, યુએચસી, ખાનગી દવાખાના, શાળાઓ પર ઊભાં કરાશે. કુલ 16,000 રસીકરણ સ્ટાફ તાલીમબદ્ધ કરાયો છે. એક દિવસમાં 100ની સરેરાશ ગણીએ તો એક સાથે તમામ સ્ટાફ રસી આપવાના કામે લગાડાય તો ગુજરાતમાં એક દિવસમાં 16 લાખ લોકોને રસી આપી શકાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર