ગુજરાત યુનિ.ની સિન્ડિકેટની 13, બોર્ડ ઓફ એકાઉન્ટની 3 બેઠક માટે 24મીએ ચૂંટણી

ગુરુવાર, 6 જૂન 2019 (14:27 IST)
ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટની સમયમર્યાદા આગામી તા. ૨૫મી જૂને પૂરી થઇ રહી છે ત્યારે યુનિવર્સિટીએ આજે સિન્ડિકેટની કુલ ૧૩ અને બોર્ડ ઓફ એકાઉન્ટન્ટની ત્રણ બેઠક માટેની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. તા. ૨૪મી જૂન, સોમવારે બપોરે ૧૨.૪૫થી ૩ સુધી મતદાન થશે. ચૂંટણી માટે તા.૧૪મીને શુક્રવાર સાંજે ૪ સુધી ઉમેદવારીપત્રકો સ્વીકારાશે. સિન્ડિકેટની ૧૩ બેઠકની સાથે બોર્ડ ઓફ એકાઉન્ટન્ટના ત્રણ સભ્યોની ચૂંટણી પણ યોજાશે. 
યુનિવર્સિટીમાં દર ત્રણ વર્ષે સિન્ડિકેટની ચૂંટણી થતી હોય છે. મુદત પુરી થાય તે પહેલા ચૂંટણી કરી દેવી જરૂરી હોવાથી તાકીદે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. સિન્ડિકેટની કુલ ૧૩ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવશે. બાકીના ૬ સિન્ડિકેટ સભ્યોની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આગામી દિવસમાં આ છ નામોની જાહેરાત કરી દેવામાં આવે તેવી વકી છે. યુનિવર્સિટીએ બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે આવતીકાલથી જ ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ભરેલા ફોર્મ તા.૧૪મી સાંજે ૪ વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે. તા.૧૫મીને શનિવારે સાંજે ૪.૩૦ કલાકે ઉમેદવારીપત્રકોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો તા. ૧૬મીને રવિવારે સાંજે ૪.૩૦ કલાક સુધી ઉમેદવારી પાછી ખેંચી શકશે. 
યુનિવર્સિટીના રાજકારણમાં હમેંશા સિન્ડિકેટ સભ્યો વધારે હોય તે પક્ષનું વર્ચસ્વ પ્રસ્થાપિત થતું હોય છે. યુનિવર્સિટીના મહત્ત્વના નિર્ણયો કરવામાં સિન્ડિકેટનું યોગદાન વિશેષ હોવાના કારણે સિન્ડિકેટ સભ્ય બનવા માટે પણ ભારે રસાકસી રહેતી હોય છે. જોકે, ગત વર્ષે સેનેટ અને સિન્ડિકેટ બન્ને સમરસ કરી દેવામાં આવી હતી. જેના કારણે હાલમાં સિન્ડિકેટમાં કોઇ એક પક્ષનું વર્ચસ્વ નથી. સમરસ સિન્ડિકેટ હોવાના કારણે આજસુધી એકપણ નિર્ણયમાં વિરોધ સુદ્ધાં કરવામાં આવ્યો નથી. આશ્ચર્યની વાત એ કે ચાલુ વર્ષે પણ સિન્ડિકેટ સમરસ થાય તે માટે બન્ને પક્ષે પ્રયાસો કરવામાં આવશે તે નક્કી છે. હવે આગામી દિવસોમાં યોજાનારી સિન્ડિકેટની ચૂંટણી સમરસ કરવામાં આવશે કે મતદાન થશે તેના પર હાલ સમગ્ર શિક્ષણજગતની નજર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર