અમદાવાદની વીએસ હોસ્પિટલમાં નર્સે 6 મહિનાની કુમળી ફૂલ જેવી બાળકીનો અંગૂઠો કાપી નાંખ્યો

બુધવાર, 5 જૂન 2019 (13:20 IST)
અમદાવાદની વીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. નર્સની ભૂલની કારણે એક માસુમ બાળકીનો અંગૂઠો કપાયો છે.માહેનૂર મોહમદ મોસીન કુરેશી નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ન્યુમોનિયા થયો હોવાથી બાળકીને વી.એસ હોસ્પિટલમાં 29 મેના રોજ બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રવિવારે રજા આપતી વખતે વીગો (હાથમાં લાગેલી સોઈ)  કાપવા જતા નર્સ દ્વારા બાળકીનો અંગૂઠો પણ કપાયો હતો. 
હાલ બાળકીને ટાકા લેવા પડ્યા છે, ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. માત્ર શરદી-ખાંસી થયા બાદ તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના બાદ હોસ્પિટલના નર્સ દ્વારા બાળકીનો અંગૂઠો કાપી દેવાયો હતો. આ ઘટના બહાર પરિવારજનોમાં રોષ ફેલાઈ ગયો હતો. 6 માસની માહેનૂરની આંગળી કાપનાર નર્સની સામે કાર્યવાહી કરવા પરિવાજનોએ માંગ કરી છે. હાલ બાળકી વીએસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે. 
આ ઘટના બાદ માસુમ બાળકીના માતાપિતા હેબતાઈ ગયા હતા. એક નાનકડી બાળકી હોસ્પિટલનો ભોગ બની હતી. ત્યારે તેની માતા ફરહાનાબાનું કુરેશીએ રડતા અવાજે કહ્યું હતું કે, અમે આ મામલે પોલીસમાં જઈશું. તો હોસ્પિટલના આરએમઓએ કહ્યું કે, બાળકીને નિમોનીયાની અસર હતી, તેથી તેને ઈન્જેક્શન અપાયું હતું. ત્યારે નિડલની સાથે વિગો બાંધવામાં આવ્યો હતો. ત્યારે પાટો કાપતી વખતે બાળકીના અંગૂઠાના થોડા ભાગે ઈજા પહોંચી હતી. 
આ સમગ્ર મામલે અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. તપાસ કરીને કસૂરવાર સામે પગલા લેવામાં આવશે. આરોપીને માફ કરવામાં નહિ આવે. આવુ પહેલીવાર નથી કે વીએસ હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો બન્યો હોય. આ પહેલા પણ અનેકવાર આવા કિસ્સા બન્યા છે, જેમાંથી હોસ્પિલના સત્તાધીશો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી. તાજેતરમાં જ વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહોની અદલાબદલી કરાઈ હતી, જેનો હોબાળો મચ્યો હતો. અનેકવાર આવા કિસ્સા બન્યા છતા વીએસના સત્તાધીશો આંખ આડા કાન કરે છે. જ્યારે હવે એક માસુમ બાળકી વીએસના બેદરકાર તંત્રનો ભોગ બની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર