આખરે નેતાઓ 30 ટકા પગાર કપાવવા રાજી થયા, વિધાનસભાના સત્રમાં લાવશે આ વિધેયક

ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (11:35 IST)
વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં તા. ૦૧/૦૪/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૧ સુધી એક વર્ષના સમયગાળા માટે ૩૦ ટકા કાપ મુકવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, ૨૦૨૦માં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે.  
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એક સમાન નીતી અખત્યાર કરવાના હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મુળ પગારમાં ૩૦ ટકાનો કાપ એપ્રિલ, ૨૦૨૦થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહે તે રીતની જોગવાઇ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો નિર્ણય કરી તેની અમલવારી શરૂ કરી છે. 
 
આ વટહુકમની જોગવાઇઓ વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક સ્વરૂપે લાવવી જરૂરી હોઇ, રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં આ વિધયક લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આગામી વિધાસસભા સત્રમાં આ વિધેયક દાખલ કરી ગૃહની મંજૂરી મેળવી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે રૂા. ૬ કરોડ ૨૭ લાખની બચત થશે. જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે. 
 
વધુમાં, પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધારાસભ્યઓ અને અન્ય પદાધિકારીઓના પગારમાં જે રીતે એક વર્ષ માટે ૩૦ ટકાનો પગાર કાપ મુકવામાં આવ્યો છે તે જ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓ /અધિકારીઓને કરાર આધારિત નિમણુક આપવામાં આવી છે તેમને મળતા પગારમાં પણ ૩૦ ટકા કાપ એક વર્ષના સમયગાળા માટે મુકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર