ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૯મી ડિસેમ્બરથી શરૂ થશે. ત્રિદિવસ યોજાનાર આ સત્ર તા.૧૧ ડિસેમ્બર-૨૦૧૯ સુધી ચાલશે. વિધાનસભા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધપક્ષના પરેશ ધનાણી સહિત ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા ત્રણેય દિવસ યોજાનાર કામગીરીનો એજન્ડા કામકાજ સલાહકાર સમિતિના સભ્યો દ્વારા સર્વાનુમતે યોજવાનો નિર્ણય કરાયો છે.
કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ મીડિયા કર્મીઓને વિગતો આપતાં મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતુ કે, આ ત્રણ દિવસના સત્રમાં પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોનો પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાશે અને બેઠક પૂર્ણ થશે. ત્યાર બાદ બીજી બેઠક યોજાશે. વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણેય દિવસ દરમિયાન પ્રશ્નોત્તરીકાળમાં પ્રશ્નો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયો સંદર્ભે વિગતો વિધાનસભાના ફલોર પરથી જવાબો આપવામાં આવશે.
આ ઉપરાંત આઠ જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસુલ તૃતિય સુધારા વિધેયક, ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો (સ્થાપન અને કામગીરી સરળ બનાવવા) અંગેનું સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત વ્યવસાયી ટેકનીકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ તથા ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ વિધેયક રજૂ કરવામાં આવશે.
રાષ્ટ્રભરમાં સંવિધાનની ૭૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી થઇ રહી છે એ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા પ્રસ્તાવ તથા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી સંદર્ભે પણ મુખ્યમંત્રી દ્વારા જ પ્રસ્તાવ લવાશે. જેમાં વિરોધ પક્ષના નેતા સહિત ધારાસભ્યો પોતાના વિચારો રજૂ કરશે. છેલ્લા દિવસે પણ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થશે.