સમગ્ર વિશ્વમાં યુક્રેન ઉપર રશિયાના હુમલાની ઘટના બાદ ખળભળાટ મચ્યો છે. ગુરૂવારે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઘણા વિદ્યાર્થીઓની વતનવાપસી થવાની હતી પરંતુ એર ઇન્ડિયાની ફલાઇટ યુક્રેન પહોંચે તે પહેલાજ યુદ્ધ છેડાઈ જતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. રશિયાની મિસાઈલ અને બોમ્બના હુમલા શરૂ થતા આ વિદ્યાર્થીઓ આશ્રયસ્થાનોમાં પરત ફર્યા છે. જેઓને સતત જીવનું જોખમ સતાવી રહ્યું છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેનમાં કિવ , ટર્નઓપી અને કિનિકસમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલની બેચલર ડિગ્રી માટે અભ્યાસ કરે છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેંદ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ફ્લાઇટ્સનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. બુકારેસ્ટથી આજે પ્રથમ રેસ્ક્યુ ફ્લાઇટમાં ૧૦૦ જેટલા યુવાન વિદ્યાર્થીઓ હેમખેમ વતન પરત આવશે.