ગુજરાતની શાળાઓમાં બાળકો નવા શૈક્ષણિક વર્ષમાં 247 દિવસ ભણશે

ગુરુવાર, 7 જૂન 2018 (14:27 IST)
રાજ્યમાં 11 જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને 247 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. શિક્ષણ બોર્ડે નવા શૈક્ષણિક વર્ષ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. આ મુજબ પ્રથમ સત્રમાં 116 દિવસ અને બીજા સત્રમાં 131 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. માર્ચ-2019માં લેવાનારી શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ 7 માર્ચથી શરૂ કરવામાં આવશે. જ્યારે સ્કૂલ કક્ષાએ લેવાનારી ધો.9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષાઓ 8 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને 80 દિવસની રજા મળશે. જેમાં બે વેકેશનની 56 રજા રહેશે. પ્રથમ સત્રના અંતે 5 નવેમ્બરથી 21 દિવસીય દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. નવા સત્રનો પ્રારંભ 11 જૂન, 2018થી થશે. પ્રથમ સત્ર 116 દિવસનું રહેશે અને તે 4 નવેમ્બર, 2018 સુધી ચાલશે. ત્યારબાદ 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 131 દિવસનું બીજુ શૈક્ષણિક સત્ર 26 નવેમ્બર, 2018થી શરૂ થશે અને 5 મે, 2019 સુધી ચાલશે. ત્યાર બાદ 6 મે, 2019ના રોજથી 35 દિવસનું ઉનાળું વેકેશન શરૂ થશે અને 9 જૂન, 2019 સુધી ચાલશે. ત્યાર પછીના શૈક્ષણિક વર્ષનો પ્રારંભ 10 જૂન, 2019થી થશે. વર્ષ દરમિયાન 80 રજાથી એક પણ રજા વધવી ન જોઈએ તેવી સૂચના અપાઈ છે. 80 રજાઓમાં દિવાળી વેકેશનની 21 અને ઉનાળું વેકેશનની 35 મળી કુલ 56 રજા બે વેકેશનની રહેશે. ઉપરાંત 17 જાહેર સાથે 73 રજા થવા જાય છે. ઉપરાંત 7 રજા આકસ્મિક- સ્થાનિક રહેશે. આમ, કુલ 80 દિવસની મહત્તમ રજા વર્ષ દરમિયાન રહેશે. ધો.10, ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષાઓ 7 માર્ચ, 2019થી શરૂ થશે અને 23 માર્ચે પૂર્ણ થશે. ઉપરાંત, ધો.9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષાઓ 8 એપ્રિલ, 2019થી શરૂ કરી 16 એપ્રિલ, 2019ના રોજ પૂર્ણ કરાશે. હાલમાં જુલાઈ, 2018માં લેવામાં આવનારી ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા 6 જુલાઈથી શરૂ કરવાનું અને 9 જુલાઈના રોજ પૂર્ણ કરવાનું આયોજન છે. સમગ્ર વર્ષ દરમિયાન 247 દિવસનો અભ્યાસ કરાવાશે. પ્રથમ સત્રમાં જૂનમાં 17 દિવસ, જુલાઈમાં 26 દિવસ, ઓગસ્ટમાં 24 દિવસ, સપ્ટેમ્બરમાં 22 દિવસ, ઓક્ટોબરમાં 24 દિવસ અને નવેમ્બરમાં 3 દિવસ મળી પ્રથમ સત્રના કુલ 116 દિવસ થશે. બીજા સત્રમાં નવેમ્બરમાં 5 દિવસ, ડિસેમ્બરમાં 25 દિવસ, જાન્યુઆરીમાં 25 દિવસ, ફેબ્રુઆરીમાં 24 દિવસ, માર્ચમાં 24 દિવસ, એપ્રિલમાં 24 દિવસ અને મેમાં 4 દિવસ મળી કુલ 131 દિવસનો અભ્યાસ કરાવાશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર