ચૂંટણી ટાણે જ મુદ્દાઓ ઉભા કરી કોંગ્રેસ જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે - સીએમ રૂપાણી
ગુરુવાર, 7 જૂન 2018 (11:51 IST)
વડોદરા ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવે ત્યારે વિવિધ પ્રકારના મુદ્દાઓ ઊભા કરીને કોંગ્રેસ જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે. છેલ્લા 22 વર્ષથી ગુજરાતની જનતાએ અમને સત્તા સોંપી છે અને કોંગ્રેસને એમનું સ્થાન બતાવી દીધેલુ છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, યુપીએના શાસનમાં ખેડૂતલક્ષી કોઇ કામગીરી થઇ ન હતી ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસે નર્મદા યોજનામાં અવરોધો ઉભા કરવામાં કશુ બાકી રાખ્યુ ન હતુ. ચિંતન શિબિર વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી પરંપરાનો જ એકભાગ છે. ચિંતન શિબિરનો મુખ્યહેતુ વહીવટી અધિકારીઓ અને રાજ્ય મંત્રીઓ સાથે મળીને રાજ્યના વિકાસ માટે વિચાર વિમર્સ કરવાનો છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, આ વખતે ચિંતન શિબિરમાં સ્વચ્છ વહીવટ, ઝડપી વહીવટ, ગ્રામ વિકાસ, રોજગારી અને આરોગ્ય સહિતના 7 મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. ત્રણ દિવસની ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસની વ્યૂહ રચના નક્કી કરવામાં આવશે. અને ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવશે.વડોદરા ખાતેના ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કો. ખાતે ચિંતન શિબિરમાં 2019માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આગામી સમયમાં સરકાર સામેના પડકારો અંગે પણ શિબિરમાં સમીક્ષા કરાશે. આ ઉપરાંત સરકાર ચલાવવા બાબતે સંકલ્પથી સિદ્ધિની થીમ સાથે અગાઉ નરેન્દ્ર મોદીએ કરેલાં સૂચનોમાંથી અધિકારીઓને પાઠ ભણાવાશે. જેમાં વ્યથા છોડીને વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકાશે. રાજ્ય સરકારના તમામ સચિવો અને કલેક્ટરોને કઇ રીતે વહીવટ ચલાવવો તેના પાઠ ભણાવવા આ પુસ્તક અભ્યાસ માટે અપાશે. ત્રણ દિવસ દરમિયાન જુદાં-જુદાં વિષયો પર અઢી-અઢી કલાકના સેશન લેવાશે. 9 જૂને શિબિરના સમાપન વેળાએ મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓને ઇનામોથી પુરસ્કૃત કરાશે. આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી, મુખ્ય સચિવ, પ્રોબેશનરી- તાલીમી આઇએએસ અધિકારી સુધીની કક્ષાના 200 ઉપરાંત શિબિરાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.