ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક ન કરવા દેવા પીએમ સુધી પહોંચ્યાં અધિકારી
શનિવાર, 27 જાન્યુઆરી 2018 (14:57 IST)
ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરુપે વેરાવળના સોમનાથ મહાદેવ જેટલા પૂજાય છે તેમ જ જસદણ તાલુકામાં આવેલ ઘેલા સોમનાથ મહાદેવમાં પણ શ્રદ્ધાળુઓ આસ્થાનો અભિષેક કરવા છે. અતિ રળિયામણા આ મંદિરે ભક્તોનો પ્રવાહ બારેમાસ રહે છે અને તેમની ભાવભર્યાં હદય સાથે ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક થતો રહે છે. આ જળાભિષેકને લઇને શિવલિંગને નુકસાન થતું હોવાની ભારે રજૂઆત પીએમ મોદી સુધી પહોંચી છે.
શિવલિંગને જળાભિષેકથી ભારે નુકસાન થઇ રહ્યું હોવાની રજૂઆત કરનાર ગાંધીનગર ઓએનજીસી અધિકારીએ પીએમ મોદી ઉપરાંત રાજકોટ ક્લેક્ટર અને સીએમ રુપાણીને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં ઉજ્જૈન મહાકાલ શિવલિંગને બિનજરુરી જળાભિષેક કરવાની મનાઇ ફરમાવી છે ત્યારે ઘેલા સોમનાથ મહાદેવને પણ બિનજરુરી જળાભિષેકથી બચાવી પોપડીઓ ઉખડતી અટકાવવાનો અધિકારીનો હેતુ છે. ફરિયાદી વિપીન પંડ્યા આ મંદિર સાથે પેઢીઓથી સંકળાયેલાં પણ છે. રુપિયા લઇને શિવલિંગ પર જળાભિષેકની પ્રવૃતિનો તેમનો વિરોધ છે.ઘેલા સોમનાથ શિવવિંગ પર સતત જળાભિષેકના કારણે શિવલિંગને નુકસાન થતું હોવાનું તેઓ જણાવે છે. પરવાનગી મળે તો દિલ્હીથી ભૂસ્તરશાસ્ત્રીઓ પાસે તપાસ કરાવવાની પણ તેમની તૈયારી હોવાનું જણાવ્યું છે. જોકે મંદિરના સંચાલકો આ મુદ્દે જણાવે છે કે મહોમદ બેગડાએ આ શિવલિંગને હથોડા માર્યાં હતાં તેના નિશાન છે. સોમનાથ મહાદેવ પર મુસ્લિમ આક્રમણખોરોના અવારનવાર હુમલાઓથી સોમનાથ મહાદેવના શિવલિંગને ઘેલા નામના વેપારીએ શિવભક્તે સોમનાથ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી અને આ શિવલિંગ જ અસલ સોમનાથ મહાહેવ હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમની સત્તાવાર પહેલી ગુજરાત મુલાકાત લીધી ત્યારે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધાં હતાં.