ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરવામાં આવી છે. આ નવી સ્કોલરશીપ યોજનાથી વિદ્યાર્થીનું શિક્ષણ વધુ અસરકાર બનાવવા માટે ફાયદારૂપ થશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકારે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે.
જેમાં દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આ સ્કોલરશીપ અંતર્ગત ધો. 9થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે. તે ઉપરાંત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજારની સ્કોલરશીપ અપાશે. જ્યારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે. આ સ્કોલરશીપ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીને આધારે ચૂકવવામાં આવશે. ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય, અથવા તો શાળાનું શિક્ષણ છોડી દે, તેમજ વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાંઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.