ગુજરાતને અન્યાય થયો ? રાજ્ય સરકારે 1949.92 માંગ્યા, કેન્દ્ર સરકારે 1469 કરોડ આપ્યાં
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:17 IST)
કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર વખતે કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાના આક્ષેપો
ગુજરાતની સરકાર દ્વારા કરાતા હતા પરંતુ અત્યારે કેન્દ્ર અને ગુજરાત એમ બંને સ્થળે ભાજપની સરકાર છે, તેમ છતાં પણ ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. ગ્રામીણ ગરીબોને વર્ષ દરમિયાન સતત રોજગારીની ગેરંટી આપવા માટે મનરેગા યોજના હેઠળ ગુજરાત સરકારે, 2016 અને 2017માં કુલ 1949.92 કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી કેન્દ્ર સરકાર પાસે કરી હતી પણ આ બંને વર્ષોના અંતે કેન્દ્ર સરકારે, ગુજરાતને તેના દ્વારા માંગવામાં આવેલી રકમ કરતાં 481.21 કરોડની ઓછી ફાળવણી કરી હતી. જેને હવે, ભારત સરકાર દ્વારા ગુજરાતને કરાતો અન્યાય માની શકાય કે કેમ ? તે પ્રશ્ન અત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પૂછાઈ રહ્યો છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના લેખિત પ્રશ્નના જવાબમાં ગ્રામ વિકાસ મંત્રીએ એવી માહિતી આપી હતી કે, 2016ના વર્ષમાં મનેરગા યોજના હેઠળ ગુજરાત સરકારે, 962.67 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. જોકે, ભારત સરકારે 2016ના વર્ષમાં ગુજરાત સરકારને 638.72 કરોડની ફાળવણી કરી હતી. અર્થાત 2016ના વર્ષમાં ગુજરાત સરકારે ગ્રામીણ ગરીબોને વર્ષ દરમિયાન સતત રોજગારી આપવા માટે મનરેગા યોજના હેઠળ માંગેલી ગ્રાન્ટ કરતાં 323.95 કરોડ ઓછા આપ્યા હતા. એવી જ રીતે 2017ના વર્ષમાં ગુજરાત સરકારે આ યોજના હેઠળ ભારત સરકાર પાસેથી 987.25 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. તેની સામે ભારત સરકારે ગુજરાતને 829.99 કરોડ આપ્યા હતા એટલે કે, 2017માં ગુજરાત સરકારે માંગેલી ગ્રાન્ટ કરતાં 157.26 કરોડ, ભારત સરકારે ઓછા આપ્યા હતા. આમ, 2016 અને 2017ના વર્ષ દરમિયાન ગુજરાત સરકારે મનરેગા યોજના હેઠળ ભારત સરકાર પાસેથી કુલ 1949.92 કરોડની રકમની ગ્રાન્ટ પેટે માંગણી કરી હતી. તેની સામે ભારત સરકારે, ગુજરાતને 1468.71 કરોડની રકમ ગ્રાન્ટ પેટે આપી હતી. જે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી માંગણી કરતાં 481.21 કરોડ જેટલી ઓછી છે.