ગુજરાતની જીવાદોરી નર્મદામાં પાણી ખૂટતાં રાજ્ય સરકારે તાકીદે બેઠક બોલાવી
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (11:29 IST)
ગુજરાતની 66 ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો સીમિત રહેતા ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત પાસે નર્મદાનું હવે માત્ર 1 મિલિયન એકરફિટ પાણી રહ્યું છે. જે આગામી ચોમાસા સુધી ચલાવવાનું છે. ઉનાળામાં સમસ્યા વિકટ બને તે પહેલા આગોતરા પગલાં માટે રાજ્ય સરકારે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નર્મદા સિવાયના પાણીના વિકલ્પો શોધવા અને શહેરી વિસ્તારોમાં પાણી કાપ સહિતના પગલાં લઇ પાણી બચાવવા માટેનું અભિયાન હાથ ધરવા સહિતના પગલાં સૂચવવામાં આવ્યા છે.
ગત ચોમાસામાં મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી નર્મદામાં પાણીની આવક લગભગ અડધા જેટલી થઇ છે. ગુજરાતને નર્મદાનું પાણી સામાન્ય રીતે 9 મિલિયન એકરફિટ જેટલું મળતું હોય છે. જેના બદલે માત્ર 4.5 મિલિયન એકરફિટ પાણી મળ્યું છે, જેમાંથી 3.5 મિલિયન એકર ફિટ પાણીનો વપરાશ થતાં હાલ નર્મદા ડેમમાં કુલ પાણીમાંથી ગુજરાત માટે માત્ર 1 મિલિયન એકરફિટ પાણી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવાનું બંધ કરવાની જાહેરાત કરાય છે.
બીજીતરફ પીવાના પાણી માટે પણ ઉનાળાનો સમય આકરો બને તેવી સ્થિતિ છે. કારણ કે જો ચોમાસામાં શરૂઆતના તબક્કે સારો વરસાદ ન પડે તો પાણીની અછત લંબાઇ શકે તેમ છે. જેથી સરકારે અત્યારથી જ પાણી બચાવવાનું અભિયાન શરૂ કરવા અને પાણીના અન્ય વિકલ્પો શોધવાની કવાયત આરંભી છે.