ગુજરાતના ખેડૂતોનું દેવું માફ નહીં થઈ શકે - નાણાંપ્રધાન નિતિનભાઈ

શનિવાર, 24 માર્ચ 2018 (13:23 IST)
કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવાની અને ખેડૂતોના દેવાં માફ કરવાની માંગણીનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે છેદ ઉડાડ્યો હતો. પટેલે કહ્યું હતું કે ખેડૂતોના દેવાં માફ કરવાની જરૂરિયાત નથી કેમ કે રાજ્યના ખેડૂતો દેવાદાર નથી. ખેડૂતો દર વર્ષે 20 હજાર કરોડ જેટલું ધીરાણ સહકારી બેન્કો મારફતે લે છે અને 95 ટકા ખેડૂતો તેને પરત ચૂકવી પણ આપે છે. દેવાં માફ કરીને ખેડૂતોને નાસીપાસ કરવાને બદલે સરકાર તેમને પ્રોત્સાહિત કરે છે. તેમનું પાક ઉત્પાદન અને આવક વધે તે માટે વિવિધ સહાયની યોજનાઓ અમલી બનાવી છે.પેટ્રોલ-ડીઝલ અંગે પટેલે કહ્યું કે દેશમાં સૌથી ઓછો ટેક્સ ગુજરાત લે છે. પેટ્રોલ- ડીઝલના ભાવ હવે ત્યારે જ ઘટે જ્યારે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ઘટાડે. પેટ્રોલ-ડીઝલને જો જીએસટીમાં સમાવેશ થાય તો 50 ટકા ટેક્સ કેન્દ્ર સરકારને જતો રહે. હાલ પૂરેપૂરો ટેક્સ રાજ્યને મળે છે અને તેની આવક મહત્વની છે. રાજ્યની આવકને નુકસાન થાય તેમ હોવાથી અમે પેટ્રોલ- ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવાનું સમર્થન કરતા નથી. પટેલે જણાવ્યું કે જાહેર દેવું પણ ઘટીને 15.96 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2004 પછી સરકારે ક્યારેય ઓવરડ્રાફ્ટ લીધો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર