સનદી અધિકારી કે ક્લાસ વન અધિકારીઓને નેતા થવાની તાલાવેલી

સોમવાર, 6 નવેમ્બર 2017 (12:56 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો હવે રાજકીય, સામાજિક સમીકરણોના આધારે પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં જોતરાઇ ચૂક્યા છે. રાજકીય કાર્યકરોને એમાંય શાસક પક્ષના હોય એમણે તો પોતાને ટિકિટ મળે એના માટે ભારે દોડધામ શરૂ કરી દીધી છે જ્યારે વર્તમાન ધારાસભ્યો પોતાની ટિકિટ જાળવી રાખવા ગોડ ફાધરોને ત્યાં આંટાફેરા મારી રહ્યા છે. બીજી તરફ બન્ને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ પોતાનું નસીબ ચમકાવવા લોબિંગ કરી રહ્યા છે

એમાં માત્ર ખાખી જ નહીં, સરકારમાં વ્હાઇટ કોલર નોકરી કરતા હોય એ પણ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. ખાખીને રાજકીય દાવપેચની ખાસ્સી જાણકારી રહેતી હોય છે. સુરત કલેક્ટર તરીકે કાર્યરત અને ભૂતકાળમાં સચિવાલયમાં શહેરી પ્રધાનના અંગત સચિવ, અમદાવાદ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરી ચૂકેલા એમ.એસ. પટેલનું નામ સપાટી ઉપર આવ્યું છે. ભાજપની ગણતરી એવી છે કે ઊંઝાની બેઠક પરથી નારણભાઇ પટેલ ઉર્ફે નારણકાકા ઘણાં લાંબા સમયથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.  ભાજપ  અહીં પટેલ ઉમેદવાર તરીકે એમ.એમ. પટેલને ઉતારવા વિચારી રહ્યો છે.  ભાજપ માટે મુશ્કેલી એ છે કે ડો.તેજશ્રી પટેલ અને કરમસીના આગમનથી વિરમગામ અને સાણંદના કાર્યકરોમાં ભારે નારાજગી છે.  નવા સીમાંકનમાં અનામત બનેલી અસારવા બેઠક પર ભાજપે પહેલી વખત સનદી અધિકારી આર.એમ. પટેલને ઉતારીને જીત મેળવી હતી, પરંતુ હવે અહીં એમની સામે નારાજગીને લીધે ભાજપ એમના સ્થાને નવા ચહેરાની શોધમાં છે. ભાજપ પાસે આ વિસ્તારના અનેક નવા દાવેદારો છે, પરંતુ ભાજપ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ એમ.એમ. પ્રભાકરનું નામ પણ અગ્રતાક્રમે વિચારી રહ્યો છે. અલબત્ત ભૂતકાળમાં ભાજપે કોઇ સનદી અધિકારી કે ક્લાસ વન અધિકારીને ટિકિટ આપવાનું વિચાર્યું હોય તો બે એક મહિના પહેલા એને જાણ કરી દેવામાં આવતી જેથી સરકારી નોકરીના નિયમો મુજબ રાજીનામુ આપીને ભાજપમાં જોડાઇ શકે. ડો.પ્રભાકર, એમ. એસ પટેલ કે કોટકના કિસ્સામાં હજુ સુધી આવું થયુ નથી. વ્હાઇટ કોલરમાંથી રાજનેતા બનવા થનગનતા આ અધિકારીઓ પણ હાલ ઉચાટ જીવે ક્યારે ફોન આવે એની રાહમાં છે. આણંદના ડેપ્યુટી કલેક્ટર મણીલાલ પારગીએ એમના પત્ની ઝાઝમ પારગી માટે મોરવા હડફ બેઠક પરથી ટિકિટ માગી છે. જોકે, મોરવા હડફ બેઠક પર ભાજપ ફેરબદલ કરવા વિચારે છે કે કેમ તે હજુ સ્પષ્ટ થતુ નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર