All Gujarat Ministers Resign: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છોડીને બધા 16 મંત્રીઓએ આપ્યુ રાજીનામુ, જાણો કોણ-કોણ છે નવા મંત્રીઓની રેસમા

ગુરુવાર, 16 ઑક્ટોબર 2025 (17:58 IST)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ભાજપના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં ફેરબદલ થવાની અપેક્ષા હતી. જોકે, ગુરુવારે એક મોટા ઘટનાક્રમમાં, ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા. તેમણે મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સુપરત કર્યા. ગુજરાતમાં, ભાજપે 2021 માં એક જ વારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, જેમાં તમામ મંત્રીઓનો સમાવેશ થાય છે, તેમને હટાવી દીધા. હવે, આગામી રાજ્ય ચૂંટણી માટે બે વર્ષ બાકી છે, ત્યારે ભાજપે બધા મંત્રીઓના રાજીનામા સ્વીકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં યુવા ચહેરાઓનો સમાવેશ થવાની શક્યતા છે. નવી ટીમમાં બધા નવા મંત્રીઓનો સમાવેશ થશે કે કેટલાક પુનરાવર્તિત થશે તે જોવાનું બાકી છે. શુક્રવારે શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.
 
આ મંત્રીઓએ આપ્યુ રાજીનામુ 
 
કેબિનેટ મંત્રી 
કનુ દેસાઈ 
 ઋષિકેશ પટેલ
રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
મૂળુભાઈ બેરા
કુબેર ડીંડોર
ભાનુબેન બાબરીયા
 
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી
જગદીશ વિશ્વકર્મા
રાજ્યમંત્રી
પુરુષોત્તમ સોલંકી
બચુભાઈ ખાબડ
મુકેશ પટેલ
પ્રફુલ્લ પાનસારીયા
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ
 
શુક્રવારે 11.30 વાગે નવા મંત્રી લેશે શપથ  
રાજભવનથી રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે શુક્રવારે 11:30 વાગે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ માટે નામિત મંત્રીઓના પદ અને ગોપનીયતાની શપથ અપાવશે.   આ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો સૂચવે છે કે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કુલ મંત્રીઓની સંખ્યા આ વખતે વધુ હોઈ શકે છે. નવા વર્ષની શરૂઆત આડે થોડા દિવસો બાકી છે ત્યારે ભાજપે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારીને નવી ટીમ બનાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી પછીના દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ભાજપે તમામ ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં રહેવા સૂચના આપી છે.

કોણ-કોણ બની શકે છે નવા મંત્રી 
સચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત AAPના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જિતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.
 
જોકે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જિતુ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વનાં પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે.
 
કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયા, ઉપરાંત રાજ્યકક્ષાના જે મંત્રીઓ પડતા મુકાવાની શક્યતા છે એમાં મત્સ્ય અને પશુપાલના મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.

BJP એ કેમ કરી આટલી મોટી 'સર્જરી' ?
ગુજરાતમાં લાંબા સમયથી સત્તા સંભાળનાર ભાજપ અનેક મોરચે પડકારોનો સામનો કરી રહ્યો હતો. પીએમ મોદીના કરિશ્માઈ નેતૃત્વ છતાં, રાજ્યમાં કોઈ પણ નેતા વિપક્ષના આરોપો અને મુદ્દાઓ પર અવાજ ઉઠાવતો ન હતો. આ જ કારણ હતું કે સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધતી ગઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છબી જનતાની નજરમાં અકબંધ રહી. તેથી, ભાજપે તેમને બદલવાનો અને મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા એક નવી ટીમ બનાવવાનો નિર્ણય લીધો. ગુજરાતમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ ફેબ્રુઆરી પહેલા યોજાવાની છે, અને તેને મીની-વિધાનસભા ચૂંટણીઓ માનવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર