મહાનગરપાલિકાની ત્રણ બેઠકો અને વિવિધ નગરપાલિકાની ૧૭ બેઠકો ઉપર પેટા ચૂંટણી આગામી તા.૨૨ ઓક્ટોબર-૨૦૧૯ના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ સરળતાથી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સબંધિત નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કચેરીઓ-સંસ્થાઓમાં રજા જાહેર કરવાની મળેલી સત્તા અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા સરકારી કચેરીઓ, શાળાઓ અને અન્ય સરકારી સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેમ, સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવશ્રી(પ્રોટોકોલ)ની યાદીમાં જણાવાયું છે.
જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પેટા ચૂંટણી યોજવાની છે ત્યાંની ખાનગી સંસ્થાઓમાં, બેંકો, રેલ્વે અને પોસ્ટ ઓફીસ અને અન્ય સંસ્થાઓમાં કામ કરતા મતદારોને મતદાન માટે કામના સમયમાં છૂટછાટ આપવા સુચના આપવામાં આવી છે. પોતાના મતક્ષેત્રથી દૂર રહેતા કર્મચારીઓને પણ આ વ્યવસ્થા અંતર્ગત લાભ આપવા માટેની જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૩૫, વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૩ અને જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૦૩ મળી મહાનગરપાલિકાઓની ત્રણ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. તે ઉપરાંત છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૪, પોરબંદર જિલ્લાની છાયા નગરપાલિકાના વોર્ડ નંબર ૬, મોરબી જિલ્લાની માળીયામીયાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૨, અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર ૭, ખેડા જિલ્લાની કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ અને ૩ ની એક બેઠક પર તથા વોર્ડ નંબર ૪ અને ૫ ની ત્રણ-ત્રણ બેઠકો પર અને વોર્ડ નંબર ૭ ની બે બેઠકો પર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ની બે બેઠકો પર તથા ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ની એક બેઠક મળી નગરપલિકાઓની કુલ ૧૭ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે.