રૂપાણી સરકારનો આ નિર્ણય રાજકોટવાસીઓનો ઉનાળો સુધારી દેશે

શનિવાર, 10 માર્ચ 2018 (13:12 IST)
રાજકોટ માટે  સરકારે  નર્મદાનું વધારાનું પાણી આપવા માટે નિર્ણય કર્યો છે જેને લઈને હવે આજી ડેમમાં 15 દિવસ સુધીમાં 500 MCFT પાણી ઠાલવાશે. હાલ આજી ડેમમાં માર્ચ મહિના સુધીનું જ પાણી છે ત્યારે નર્મદાનું વધારાનું પાણી મળતા પીવાના પાણીનું સંકટ ટળશે અને પાણીકાપનો બોજ પણ પ્રજા પર નહીં આવે. આ સિવાય કોઇ ટેકનીકલ ક્ષતિઓ નહીં સર્જાય તો 700 એમસીએફટી પાણી 25 દિવસ સુધી ઠલવાશે. તેના લીધે રોજ નવા નીર આજીમાં ઠલવાશે. હાલ માર્ચ મહિના સુધી જ પાણીનો જથ્થો છે.

આ પાણી આવવાથી પીવાના પાણીનું સંકટ ટળે અને પાણીકાપનો બોજ પણ પ્રજા પર નહીં આવે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ છે. રાજકોટ મહાનગરપાલિકાએ બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણી માગ્યું હતું. સિંચાઇ વિભાગે જો કે 1700ને બદલે 2000 કરોડ લિટર પાણી માગ્યું છે. નર્મદાનીર રાજકોટ સુધી પહોંચે એ દરમિયાન પાઇપમાં ભરાવો તેમજ પહોંચ્યા બાદ સીધુ જમીનમાં ઉતરી જવું એ બધા મુદ્દાને ધ્યાને લઇને મનપાએ માંગેલા પૂરા જથ્થા માટે વધુ પાણી માગવામાં આવ્યું છે. રાજકોટ અને કચ્છના લોકોને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે નર્મદાના પાણીથી બન્ને ડેમ ભરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. રાજકોટમાં તો શનિવારે બપોર સુધીમાં જ નર્મદા નીરનું આગમન થઈ જશે જ્યારે કચ્છનો ટપ્પર ડેમ પણ નર્મદાના નીરથી ભરી દેવાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર