મેટ્રો સ્ટેશનથી અમદાવાદના કોઈપણ ખૂણે જવું બનશે સરળ, મેટ્રો ફીડર બસ સેવા શરૂ

બુધવાર, 5 જૂન 2024 (17:37 IST)
Going to any corner of Ahmedabad from metro station will be easy, metro feeder bus service started
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કરીને AMTSની ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કર્યું હતું. મેટ્રો સ્ટેશનથી પોતાના વિસ્તારમાં સરળતાથી જઈ શકે તેના માટે હવે AMTS દ્વારા મેટ્રો ફીડર બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા શરૂ થઈ છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના રૂટ પર પણ બસ શરૂ થઈ છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વેથી પશ્ચિમ તરફ બોપલ, શીલજ, ઘુમા, પ્રહલાદ નગર ઘાટલોડિયા વિસ્તારમાં AMTS બસ જશે. જ્યારે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ, આદિનાથ નગર, સિંગરવા ગામ થઈ અને વસ્ત્રાલ પરત ફરશે.
Launch of Plastic Crusher Machine
થલતેજથી સાઉથ બોપલની 60 નંબર શટલ બસ રૂટ શરૂ કરાયો
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઇ-વ્હીકલ્સના માધ્યમથી ગુજરાત જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ક્લાઇમેટ ચેન્જની અસરોનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે, ત્યારે મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવે અને પ્રત્યેક નાગરિક વૃક્ષારોપણના કામમાં જોડાય એ ખૂબ જરૂરી છે.વડાપ્રધાન મોદીએ લોન્ચ કરેલ 'મિશન લાઈફ' પહેલ અંતર્ગત આપણે સૌ ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ અપનાવીએ તેવો ખાસ આગ્રહ કરું છું. અમદાવાદમાં આજથી મેટ્રો સ્ટેશનના કનેક્ટિવિટી માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી કુલ 6 રૂટ પર સરકયુલર અને એન્ટી સરકયુલર રૂટની AMTS બસ સેવા શરૂ કરવામાં આવી છે.જ્યારે થલતેજથી સાઉથ બોપલની 60 નંબર શટલ બસ રૂટ શરૂ કરાયો છે. 
 
સાબરમતી રિવરફ્રન્ટ રૂટ પર 15 મિનિટે બસ મળશે
થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વે ના પશ્ચિમ તરફના બોપલ, હેબતપુર, શિલજ, ઘુમા, સિંધુભવન રોડ, વકીલ સાહેબ બ્રિજ તેમજ સોલા, ઘાટલોડિયા, ભૂયંગદેવ, ગુજરાત હાઇકોર્ટ, સાયોના સીટી, સતાધાર ચાર રસ્તા ગુલાબ ટાવર સહિતના વિસ્તારોમાં સરકયુલર અને એન્ટી સરકયુલર રૂટ પર બસ ફરશે. થલતેજથી સાઉથ બોપલ શટલ બોપલ વિસ્તારના નાગરિકો માટે જશે. તે ઉપરાંત પૂર્વ વિસ્તારના મેટ્રો સ્ટેશન વસ્ત્રાલથી બે રૂટ પર AMTS બસ જશે. જે માધવ ફાર્મ, આદિનાથ નગર, ઓઢવ, સિંગરવા, રણજીપુરા, નિરાંત ચોકડી થઈ પરત વસ્ત્રાલ ફરશે. વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન માટે માત્ર બસો મૂકવામાં આવી છે. જ્યારે થલતેજ મેટ્રો સ્ટેશન રૂટ પર 14 બસો મૂકવામાં આવી છે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ ઉપર વાસણાથી વાડજ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ માટે કુલ 2 બસો મૂકવામાં આવી છે. થલતેજથી દર 25 મિનિટે એક બસ મળશે. વસ્ત્રાલથી દર 20 મિનિટે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ પર 15 મિનિટે બસ મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર