ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, પાછોતરા વરસાદને પગલે ખેડૂતોને નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે જ્યારે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે, ગ્રામ્ય વિસ્તારોમા ત્રણ પશુ ના પણ મૃત્યુ નોંધાયા છે. સતત વરસાદ ને લીધે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.
આ વરસાદને પગલે જિલ્લાના 20 જેટલા લો લેવલ કોઝ વે, અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગો ને બદલે, તંત્ર એ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
જિલ્લના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને નદીઓમાં આવેલ ઘોડાપૂર ને લીધે ૨૦ જેટલા લોલેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેમાં મુખ્ય સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ, ખાતળ ફાટકથી ઘોડી રોડ, માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, ઢાઢરા વી.એ.રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સાથે દુલધા, કરંજપાડા, બંધપાડા જેવા મુખ્ય કોઝવે સહિત અનેક નાના મોટા માર્ગો અવરોધાતા ડાંગ જીલ્લાના હજારો માણસો અટવાઈ પડ્યા હતા. ગીરા નદીમાં અચાનક આવેલ ઘોડાપૂર ને કારણે અટવાઈ પડેલ લોકોએ પોતાના જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું હતું જ્યારે મહિલાઓ અને બાળકોએ નદીમાં પાણી ઓસરે ત્યાં સુધી રાહ જોવી પડી હતી.
દર વર્ષ કરતા આ ચોમાસામાં વરસાદ નું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને સુબિર તાલુકામાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે, જોકે લોકોની ફરિયાદ ને લઈને સુબિર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ગામીતે કહ્યું હતું કે દુલધા અને બંધપાડા ખાતે પુલ મંજુર થઈ ગયો છે અને ટેંન્ડરીગ પણ થઈ ચૂક્યું છે ત્યારે વરસાદ બંધ પડતાજ આ પુલનું કામ શરૂ થશે અને લોકોને પડતી સમસ્યા નો કાયમી નિકાલ આવશે.