શાહરુખથી સોનમ કપૂર સુધી ફિલ્મીસ્ટારને સુરક્ષા આપનારાં મહિલા બૉડીગાર્ડ, જે સંકટમાં છે

મધુપાલ

સોમવાર, 7 ડિસેમ્બર 2020 (15:08 IST)
બોલીવૂડ સ્ટાર જ્યારે પણ તેમનાં ઘરોમાંથી બહાર નીકળે, ફિલ્મના શૂટિંગ માટે કે પછી ફિલ્મ પ્રમોશન, એડ ફિલ્મ્સ, ઇવેન્ટ્સ, ઍવૉર્ડ્સ સમારોહ, લગ્ન કે પછી પાર્ટી માટે- તેઓ ક્યારેય એકલા જોવા મળતા નથી.
 
તેમની સાથે મોટા ભાગે તેમના બૉડીગાર્ડ નજરે આવે છે. ફિલ્મીસ્ટારોની લોકચાહના પ્રમાણે તેમની સુરક્ષા વ્યવસ્થા કરવાની હોય છે, કેમ કે તેમની એક ઝલક માટે ભીડ બેકાબૂ થઈ જાય છે.
જોવા મળે છે કે આ ફિલ્મસ્ટારો જાહેર સ્થળોએ પહોંચતાં જ લોકોની ભીડ ઊમટી પડે છે અને આ ભીડમાંથી કલાકારોને સુરક્ષિત બહાર કાઢવા અને તેમને સુરક્ષા આપવાનું કામ આ બૉડીગાર્ડનું હોય છે.
 
મોટા ભાગે પુરુષ બૉડીગાર્ડને આ કામ માટે લેવામાં આવે છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલાઓને પણ આ ક્ષેત્રમાં કામ મળતું થયું હતું.
 
ધીરેધીરે મહિલા બૉડીગાર્ડ્સની સંખ્યા પણ વધી રહી હતી, પણ કોરોના અને બાદના લૉકડાઉને આ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
 
આમ તો લૉકડાઉન બાદ ફિલ્મોનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. ઇવેન્ટ કે સિટી ટૂરના માધ્યમથી ફિલ્મોનો પ્રચાર તો નથી થતો, પણ આઉટડોર શૂટિંગ, એડ ફિલ્મ્સ પર ફિલ્મીસ્ટારોની સુરક્ષાની જવાબદારી નિભાવતા બૉડીગાર્ડ અને બાઉન્સરને પહેલાં કરતાં ઓછું પણ કામ મળવાનું શરૂ થયું છે.
 
જોકે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં મહિલાઓને હજુ પણ કામ માટે રાહ જોવી પડી રહી છે.
 
42 વર્ષીય ફહમીદા અંસારી બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા મહિલા બૉડીગાર્ડ છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "પુરુષોને કામ મળી રહ્યું છે, પણ મહિલાઓને સહેજ પણ કામ મળતું નથી, જેના કારણે અમારી જિંદગી પરેશાનીઓથી પસાર થઈ રહી છે અને આવાનારા દિવસોમાં આ જ સ્થિતિ રહી તો જીવવું મુશ્કેલ થઈ જશે."
 
ફહમીદા અંસારી કહે છે કે તેઓ 17 વર્ષથી સિંગલ મધર છે.
 
તેઓએ કહ્યું, "મારા પૂર્વ પતિએ ક્યારેય પોતાની પુત્રીના હાલ પણ પૂછ્યા નથી. ત્યારે મેં એ નિર્ણય કર્યો કે હવે ક્યારેય બીજાં લગ્ન નહીં કરું અને પોતાની પુત્રીની સારસંભાળ એકલી રાખીશ."
 
"મારા એક મિત્રે મને સલાહ આપી કે તું ફીમેલ બૉડીગાર્ડનું કામ કરવા માગે છે. મેં તેને હા પાડી અને પછી ફિલ્મોના સેટ પર કામ કરવા લાગી અને ફિલ્મસ્ટારને ગાર્ડ કરવા લાગી."
 
ફહમીદા ઝીરો, સુપર 30, પદ્માવત, મર્દાની, કલંક જેવી ઘણા ફિલ્મો સહિત બર્થ ડે પાર્ટી, સોનમ કપૂરનાં લગ્નથી લઈને એક્ટ્રેસની એડ ફિલ્મ્સ બધાને 24 કલાકની સુરક્ષા આપવાની જવાબદારી નિભાવી ચૂક્યાં છે.
 
'ઘણી વાર કલાકારો માટે ગાળો પણ ખાવી પડે છે'
I
પહેલાં આ કામ માત્ર પુરુષોનું જ માનવામાં આવતું હતું.
 
ફહમીદા દાવો કરે છે કે આ કામ માટે મહિલાઓને સૌથી પહેલી તક અભિનેતા રોનિત રૉયની કંપની એસીઈ સિક્યૉરિટી ઍન્ડ પ્રોટેક્શન એજન્સી અને રોનિત રૉયના સંબંધી દીપક સિંહની કંપની ડોમ સિક્યૉરિટીએ આપવાની શરૂ કરી હતી.
ફહમીદાએ જણાવ્યું, "તેઓએ અમારાં પર વિશ્વાસ મૂક્યો અને ઘણી તકો આપી. હવે તેમની પાસે પણ અમારાં માટે કામ નથી. તેમાં તેમનો કોઈ વાંક નથી, કેમ કે જો ફિલ્મ પ્રોડક્શન હાઉસ જ અમને નહીં બોલાવે તો આ અમને કેવી રીતે કામ આપે."
 
લૉકડાઉન બાદ કામની તકો પર ફહમીદાએ કહ્યું, "માત્ર સંજય લીલા ભણસાલીજીએ અમને બોલાવ્યાં અને કોઈ અન્ય જગ્યાએથી હજુ કામ આવ્યું નથી."
 
"એવું લાગે છે કે કોરોના અમને મહિલાઓને જ થશે. આ તો ખોટું છે. આ રીતે તો અમે ભૂખ્યાં મરી જઈશું. મારી સાથે અન્ય મહિલાઓ પણ છે, જે રોજ ફોન કરે છે અને પૂછે છે કે કંઈ કામ આવ્યું છે કે નહીં? અમને કંઈક તો કામ અપાવો."
 
ફહમીદાની જેમ ઝરીન રફીક શેખ પણ બોલીવૂડમાં છેલ્લાં ચાર વર્ષથી બૉડીગાર્ડનું કામ કરે છે.
 
તેઓ કહે છે, "ઘણી ફિલ્મો, જેમ કે સુપર 30, ઝીરો, છપાક, કલંક જેવી મોટી ફિલ્મોના શૂટિંગથી લઈને ઇવેન્ટ સહિત મોટી મોટી પાર્ટીઓનો હિસ્સો રહી ચૂકી છું."
 
આ પ્રકારના કામના પડકારો અંગે ઝરીને કહ્યું, "આ કામમાં જવાનો તો સમય હોય છે, પણ આવવાનો કોઈ સમય હોતો નથી. કલાકો સુધી ઊભા રહેવું પડે છે."
 
"જ્યારે સ્ટાર્સ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે મૉલ જાય છે તો ત્યાં બહુ ભીડ હોય છે અને અમારું કામ હોય છે સ્ટાર્સને એ ભીડમાંથી સુરક્ષિત કાઢવા."
 
ઘણી વાર લોકો અમને ધક્કા મારે છે, ઘણી વાર અમારી પર ગુસ્સે થાય છે, લોકો અમે ગાળો પણ ભાંડે છે, અમારે સહન કરવી પડે છે."
 
"લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે કલાકારો પર કંઈક ને કંઈક ફેંકે છે, એવા સમયે અમારું કામ હોય છે કે તેમને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય. એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ તેમની સાથે જબરજસ્તી ફોટો ન પડાવે."
 
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો : પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદથી ફાંસીના ગાળિયા સુધીની કહાણી
 
ગુજરાનનું સંકટ
 
ઝરીન કોરોનાસંકટમાં પરિવાર નિર્વાહના પડકારો અંગે કહે છે, "મારા પરિવારમાં હું અને મારી બે પુત્રી છે. તેમની સારસંભાળ હું જ કરું છું. ફિલ્મ 'છપાક' મારું અંતિમ કામ હતું. બાદમાં માર્ચમાં લૉકડાઉન થયું, સાત મહિના કામ વિના ઘરે જ હતી. હવે જ્યારે શૂટિંગ શરૂ થયું છે તો ફિલ્મ પ્રોડક્શનવાળા હજુ મહિલાઓને બોલાવતા નથી."
 
"જો આગળ પણ આવું રહેશે તો અમારા માટે જીવન ચલાવવું મુશ્કેલ થઈ જશે, કેમ કે ફિલ્મઉદ્યોગમાં અમારાં હિતો પર ધ્યાન આપવા માટે કોઈ સંગઠન પણ નથી. અલગઅલગ સંઘો, પરિષદો અને ફિલ્મી સંસ્થાનો સાથે જોડાયેલા દહાડી મજૂરોને મદદ મળી રહી છે, પણ અમારી પાસે કોઈ પ્રકારની સુવિધા નથી."
 
 
ત્રણ વર્ષથી બૉડીગાર્ડનું કામ કરતાં સુનીતા નીકલ્જેને બોલીવૂડની ઇન્ડસ્ટ્રીની લાઇન બહુ પસંદ છે.
 
તેઓ કહે છે, "મારા પરિવારમાં સાસુ-સસરા, બે બાળકો અને પતિ છે. કેટલાંક વર્ષ પહેલાં મારા પતિ સાથે દુર્ઘટના ઘટી હતી અને તેમના માથે ઈજા થતાં તેમને નોકરી ગુમાવવી પડી. કેટલાંક વર્ષથી ઘરની જવાબદારી મારા પર આવી ગઈ છે, જેથી મારે નોકરી કરવી પડે છે."
 
"મારાં ઘરનાં અને મને મારી આ નોકરી બહુ પસંદ છે, કેમ અહીં સન્માન બહુ છે. પરિવારજનોને ખુશી થાય છે જ્યારે તેઓ સંબંધીઓને કહે છે કે હું કલાકારોને સુરક્ષા આપવાનું કામ કરું છું. આ લાઇનમાં પૈસા પણ સારા છે, કલાકારો પણ અમને ઇજ્જત અને સન્માન આપે છે."
 
'ઘણી વાર તાકાત કરતાં દિમાગથી કામ લેવું પડે છે'
 
સુનીતા કહે છે કે સેટ પર ગરમ મિજાજ દેખાડતો જરૂરી છે.
 
તેઓ કહે છે, "અમારે સેટ પર થોડા કડડ થઈને લોકો સાથે કામ લેવું પડે છે, કેમ કે જ્યારે શૂટિંગ ચાલતું હોય ત્યારે કેટલાક જુનિયર આર્ટિસ્ટ મોબાઇલથી ફોટો ખેંચતા હોય છે, આથી અમે સેટ પર બધાની તલાશી લેવી પડે છે અને લોકોના મોબાઇલ જપ્ત કરવા પડે છે, કેમ કે ફોટો વાઇરલ થઈ જાય તો તેનો મતલબ કે અમે સારી રીતે કામ કર્યું નથી."
 
"જ્યારે આઉટડોર શૂટિંગ ચાલતું હોય ત્યારે લોકો અમને પૂછે છે કે ક્યાં શૂટિંગ ચાલી રહ્યું છે? અમારે તેમની સામે જુઠ્ઠું બોલવું પડે છે, કહીએ છીએ કે સાઉથની ફિલ્મ છે, હીરો નવો છે. કેમ કે જો અમે તેમને જણાવી દઈએ કે શાહરુખ ખાન છે તો અહીં તે લોકો આખો દિવસ ઊભા રહે અને અમને પરેશાન કરે. આથી ઘણી વાર અમારા તાકાત કરતાં દિમાગથી પણ કામ લેવું પડે છે."
 
સુનીતા કહે છે, "આ કોરોના અને પછીના લૉકડાઉને બધી જમા થયેલી મૂડી ખર્ચ કરાવી નાખી છે. મારી પ્રોડક્શન હાઉસને એક જ વિનંતી છે કે કોરોનાએ પુરુષોની અપેક્ષાએ અમારી તાકાત ઓછી કરી નથી. કોરોના કોઈ સાથે ભેદભાવ નથી કરતો."
 
એવું નથી કે પ્રોડક્શન હાઉસ મહિલા બૉડીગાર્ડ સાથે જાણીજોઈને ભેદભાવ કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે આયોજનમાં સાદાઈ હોવાને કારણે કામ ઓછું થઈ ગયું છે. જેના કારણે આ મહિલાઓ માટે આજીવિકાનું સંકટ ઊભું થઈ ગયું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર