રાજ્યના વહીવટી તંત્રને વધુ અસરકારક બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા મહત્વના વહીવટી નિર્ણય અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યના દૂર દૂરના વિસ્તારોમાંથી ધારાસભ્યો અને નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆતો માટે ગાંધીનગર આવે ત્યારે તેમને મંત્રીઓ અને અધિકારીઓ મળી શકે અને ધક્કા નહીં ખાવા પડે તે માટે સોમવાર અને મંગળવારના રોજ તમામ મંત્રી મંડળના મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓએ ફરજિયાત પોતાના કાર્યાલયમાં હાજર રહેવું પડશે અને મુલાકાત આપશે.
તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં એવું ધ્યાન પર આવેલું છે કે ધારાસભ્યો તેમની રજૂઆત માટે વિભાગના અધિકારીઓ પાસે જાય ત્યારે તેમને અધિકારીઓ બહાર બેસાડી રાખતા હતા. આથી હવે સોમવાર અને મંગળવારના રોજ ધારાસભ્યો તેમની રજૂઆત માટે વિભાગના અધિકારીઓ પાસે જાય ત્યારે અધિકારીઓએ માનપૂર્વક સરળતાથી તેમને બોલાવવાના રહેશે અને તેમના કાર્યાલયની બહાર બેસાડી નહીં રાખી શકે.