રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ દાવો કરી રહી છે કે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ માનવા તૈયાર નથી. કોંગ્રેસે કહ્યું કે, જો રાજીનામા આપી દીધા હોય તે પુરાવા આપો. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા ધારાસભ્યોના રાજીનામાની વાતને નકારી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.અમિત ચાવડાએ કહ્યું, લોકશાહીની પરંપરામાં ના માનનારી ભાજપની સરકાર દ્વારા લોકોને ગુમરાહ કરવા અને કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા માટે નીત નવા ધારાસભ્યોના નામ ઉછાળી ભ્રામક પ્રચાર થઇ રહ્યો છે. ગઇકાલથી અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે વાતો મીડિયામાં ચલાવવામાં આવે છે.
વિધાનસભાના અધ્યક્ષ દ્વારા હજુ સુધી કોઇ પૃષ્ટી કરવામાં નથી આવી, કોઇ સાબિતી આપવામાં નથી આવી. વારંવાર આવી વાતો ઉછાળી ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરે છે. તેમણે કોઇ પણ ધારાસભ્ય દ્વારા રાજીનામું નહી અપાયું હોવાની અને માધ્યમોમાં ખોટી અફવા ભાજપ દ્વારા ફેલાવાઇ હોવાનો દાવો કર્યો હતો.