વિજાપુરના પૂર્વ MLA સી.જે. ચાવડા ભાજપ પ્રમુખ પાટીલના હસ્તે કેસરીયો ખેસ પહેરશે

સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (13:14 IST)
Former MLA of Bijapur C.J. Chavda will Join BJP
હાલમાં ગુજરાતમાં ભાજપનું જબરદસ્ત લોકસભાની ચૂંટણીને લઇને કેમ્પેઇન ચાલી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસનાં કાંગરા ખરી ગયા હતાં. ઉત્તર ગુજરાતમાં નરેશ રાવલ, સાગર રાયકા, ગોવાભાઈ રબારી, જયરાજસિંહ જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયાં છે. ત્યારે હવે વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડેલા કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ તાજેતરમાં જ રાજીનામું આપ્યું હતું અને હવે આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરશે તેવી ચર્ચાઓ રાજકીય સુત્રોમાં થઈ રહી છે. 
 
સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હોવાની શક્યતા
રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. હવે વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તેવું રાજકીય સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ સી.જે.ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું. કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.
 
રાજીનામું આપ્યા બાદ વડાપ્રધાનના વખાણ કર્યા હતાં
વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ થોડા દિવસ પહેલા રાજીનામુ ધર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ હતું. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે. સી જે ચાવડાએ કહ્યું કે, મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કૉંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી પાર્ટીએ મને ઘણું આપ્યુ છે. હું મોદીની વિકાસ યાત્રામાં વિઘ્ન નથી બનવા માગતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર