ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી હજી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા છે, તો અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
ઉનાળાની શરૂઆતમાં જ સમગ્ર દેશમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રવી પાકની સિઝનમાં થયેલા આ વરસાદને કારણે ખેડૂતોએ ભારે નુકસાન થયું છે.
20 અને 21 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
22 માર્ચથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જે બાદ બે દિવસ સુધી કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.