સુરતના કોવિડ સેન્ટરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, તમામ દર્દીઓને સહીસલામત

સોમવાર, 26 એપ્રિલ 2021 (09:03 IST)
રાજ્યમાં સતત વકરતા જતા કોવિડ 19ના સંક્રમણના લીધે ગુજરાતની સ્થિતિ કથડતી જાય છે. સતત ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેકશન અછતના લીધે હોસ્પિટલની બહાર લોકોની લાઇનો લાગી છે. રાજ્યની મોટાભાગની કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ છે. ત્યારે અવાર નવાર કોવિડ સેન્ટરોમાં આગ લાગવાની ઘટના સર્જાઇ રહી છે.
 
તાજેતરમાં મળતી માહિતી અનુસાર સુરત શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલના પાંચમા માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગ એસીમાં બ્લાસ્ટ થતાં લાગી હતી. આગ લાગવાની ઘટના અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને માત્ર 30 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
 
ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ દર્દીઓને સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર