સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સ્વામિનારાયણ મહિલા મંદિર આવેલું છે. છેલ્લા દસ વર્ષથી કોમન પ્લોટની જગ્યાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આજે સોસાયટીના લોકો પોતાના સીઓપી(કોમન પ્લોટ)ના મુદ્દે સ્વામિનારાયણ મહિલા મંદિર પાસે વિરોધ કરવા માટે બેઠા હતા. દરમિયાન મંદિરની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્રીત થઇ હતી અને સામે છૂટ્ટાહાથની મારામારી કરી હતી. થોડા સમય માટે વાતાવરણ ખૂબ તંગ થઈ ગયું હતું. સ્વામિનારાયણ મહિલા મંદિરની મહિલાઓ દ્વારા સોસાયટીના લોકોને કહેવામાં આવ્યું કે અહીં વિરોધ કરવા શા માટે બેઠા છો એ મુદ્દાને લઈને જબરજસ્ત ધમાસણ મચી ગયું હતું.
વિરોધ કરી રહેલા લોકોને ભગાવી દીધા
સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, સ્વાતિ સોસાયટીના સભ્યોને સીઓપીની જગ્યા બોલાતી હોવા છતાં પણ તેનો ઉપયોગ અમને કરવા મળી રહ્યો નથી. સીઓપીને લઈને અમે વિરોધ કરવા બેઠા હતા ત્યારે આજે એકાએક જ આ મુદ્દો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો. મહિલાઓએ રીતસરની મારામારી શરૂ કરી દીધી હતી અને ત્યાં જેટલા પણ લોકો શાંતિથી વિરોધ કરવા બેઠા હતા. તે તમામને ત્યાંથી ભગાવી દીધા હતા. વાતાવરણ એટલું ઉગ્ર બની ગયું હતું કે વરાછા પોલીસે આવીને પછી તેને શાંત કરવી પડી હતી. કેટલાક લોકોને નાની-મોટી ઇજા પણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.