ખેડૂત આગેવાન રાકેશ ટીકેત 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ટિકેતે જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં પણ આંદોલન શરૂ થશે અને આ આંદોલનમાં ગાંધીનગર નો ઘેરાવ કરીને ત્યાં પણ ટ્રેકટર સાથે બેરીકેટ તોડવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂત આગેવાને રાકેશ ટીકેતે જણાવ્યું હતું કે ભાજપમાં અમારા કારણે ભય ફેલાઈ રહ્યો છે.અત્યારે ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, ધરણાં શાંતિથી ચાલી રહ્યા છે.ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે તે રીતે સમગ્ર દેશમાં પણ છીનવાઈ રહી છે.ગુજરાતના ખેડૂતોને પણ અનેક સમસ્યા છે પણ તેમની પાસે જબરજસ્તી ખોટું બોલાવાય છે.3 રૂપિયે કિલો બટેકા મળવાની વાત છે પરંતુ 3 રૂપિયે કિલો તો ગોબર પણ મળતું નથી તો ખેડૂત શું કમાશે.ગુજરાતના ખેડૂતોનો ડર દૂર કરવા આજે હું અહીંયા આવ્યો છું.આગામી સમયમાં ગાંધીનગરનો ઘેરાવ કરાશે અને આંદોલન ઉગ્ર બનાવીશું. ઘેરાવથી જ ગુજરાતના ખેડૂતો જાગૃત થશે.હવે ટ્રેકટર નો ઉપયોગ માત્ર ખેતી માટે જ નહિ પરંતુ આંદોલનમાં પણ કરાશે.ગાંધીનગરનો ઘેરાવ કરીને બેરીકેટ તોડવામાં આવશે.