રૂ.૨.૭૦ લાખની સામે વ્યાજ સાથે રૂ.૬.૮૭ લાખ ચૂકવ્યા, તો પણ વ્યાજખોરે ઉઘરાણી ચાલુ રાખીને જાનથી મારી નાખવાની આપી ધમકીઓ

બુધવાર, 18 જાન્યુઆરી 2023 (17:01 IST)
રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે જેને રૂ.૨.૭૦ લાખની સામે વ્યાજ સાથે રૂ.૬.૮૭ લાખ લઈ લીધા, તો પણ વધારાના રૂ.૧૧.૨૮ લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહિ, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-૧૦ ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
 
ગોધરાના વ્યાજખોરોએ નાણાં ધીરધારના લાયસન્સ વગર માસીક ૨% લેખે તન્મયકુમાર વસંતભાઇ મહેતાને રૂ.૨,૭૦,૦૦૦/- ધીરધાર કરી સિકયુરીટી પેટે કોરા ચેક લઇ લીધા હતા. ત્યાર બાદ તન્મય મહેતાએ માસીક ૧૦% લેખે રુપીયા ૬,૮૭,૦૦૦/- ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો બળજબરીપુર્વક વધારાના વ્યાજ સહીતના નાણાં રૂપીયા ૧૧,૨૮,૦૦૦/- માંગી રહ્યા હતા. 
 
વસંત મહેતાની હુન્ડાઇ આઇ-૧૦ ગ્રાન્ડ મેઘના ગાડી બળજબરીથી પડાવી પોતાની પાસે રાખી લઇ વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પંચમહાલ પોલીસે ગુનો દાખલ કરી પરીમલ સોસાયટી, ભુરાવાવ ચાર રસ્તા, ગોધરામાં રહેતા આરોપી વિરેનભાઇ પરમાનંદ લાલવાણીના ઘરે સર્ચ કરી ફરીયાદી પાસેથી બળજબરીથી પડાવી લીધેલી ગાડી તાત્કાલીક ધોરણે રીકવર કરી પ્રસંશનીય કામગીરી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર