ગુજરાતમાં શાહરૂખની પઠાણ રિલીઝ કરવી કે નહીં, મલ્ટીપેલક્ષ એસોસિએશનના આગેવાનો ગૃહમંત્રીને રજૂઆત કરશે

બુધવાર, 18 જાન્યુઆરી 2023 (15:09 IST)
હાલમાં સમગ્ર દેશમાં 'પઠાણ' ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરીષદ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળ અને વીએચપીનું કહેવું છે કે આ ફિલ્મમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર ખાતે મલ્ટીપ્લેક્સ એસોસિએશનના આગેવાનોએ ગૃહમંત્રીને રજૂઆત કરશે. મલ્ટીપ્લેક્સને નુકસાન ના થાય અને સુરક્ષા મળે તે માટે પણ તેઓ રજૂઆત કરશે.

આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરને જબરદસ્ત રીસ્પોન્સ મળ્યો છે. પરંતુ ગુજરાતમાં થિયેટર સંચાલકો આ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેની મુંઝવણમાં છે. તાજેતરમાં જ  મલ્ટિપ્લેક્સ એસોશિએશને સરકાર પાસે ફિલ્મ રિલીઝ અંગે પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે. થિયેટર એસોસિયેશને પત્રમાં કહ્યું કે, જો ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની હોય તો અમને સુરક્ષા આપવામાં આવે. ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ નહીં કરવા માટે હિન્દુ સંગઠનોએ ચેતવણી આપી છે. જેને લઈને મલ્ટીપ્લેક્સ થિયેટર એસોસિયેશનના સભ્યો આજે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવાનાં છે. આ ફિલ્મની રિલીઝ વખતે જો કોઈ અનિચ્છનીય ઘટના બને કે વિરોધ થાય તો તેઓને નુકસાન થઈ શકે છે. અગાઉ પદ્માવત ફિલ્મનો વિરોધ થયો હતો. ત્યારે મલ્ટીપ્લેક્સ એસોસિયેશન પણ દ્વિઘામાં છે કે ફિલ્મ રિલીઝ થાય તો તેમની સુરક્ષાનું શું. સુરતના કામરેજ ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ સિનેમાઘરોમાં પ્રવેશીને  પઠાણ મૂવીના પોસ્ટરો ફાડ્યા હતાં. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપીને પઠાણ ફિલ્મને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ થિયેટરના માલિકને પણ આ બાબતે જાણ કરાઈ હતી. સિનેમાઘરોમાં ભગવાન રંગના બિકીની વાળો દિપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પઠાણ મૂવીના પોસ્ટરો લગાડતાં જ આ બાબત હિન્દુ સંગઠનોના ધ્યાન પર આવતા તેમણે તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર