અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ઘરઘરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઈન ફ્લુનો આતંક

મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (12:32 IST)
અમદાવાદ શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. દરેક ઘરમાં તાવ, શરીરના દુઃખાવા અને અન્ય મચ્છરજન્ય રોગોને કારણે થતી બીમારીઓના કેસ જોવા મળી રહ્યા છે. આ વર્ષે દર્દીઓને ડેંગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા એક સાથે થઈ રહ્યા છે. ઓક્ટોબરના પ્રથમ 13 દિવસમાં શહેરમાં ડેંગ્યુના 12, ટાઈફોડના 13 અને કમળાના 11 કેસ રોજ નોંધાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે ડેંગ્યુના કેસમાં 24 ટકાનો વધારો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 2017ની સરખામણીએ આ વર્ષે ટાઈફોડના કેસમાં 76 ટકા અને કમળાના કેસમાં 55 ટકાનો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વાસ્તવિક આંક તો આના કરતા પણ ઊંચો હોવાની શક્યતા છે. અધિકારીએ જણાવ્યું, ડેંગ્યુને કારણે શાળાના એક વિદ્યાર્થીનું મોત થઈ ગયુ હતુ પરંતુ તે AMCના ડેટામાં દેખાતુ નથી. તેમના મતે લેબોરેટરીમાંથી મળતા ડેટામાંથી પરિસ્થિતિનો ક્યાસ કાઢી શકાય. અધિકારીએ વધુમાં જણાવ્યું કે શારદાબેન જેવી હોસ્પિટલોમાં પલંગ ખાલી નથી મળતા. આ બધુ ધ્યાનમાં લઈએ તો આંક હજુ વધારે ઊંચો જાય. અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાઈફોડના 227 કેસ નોંધાયા હતા. તેની સામે આ વર્ષે પહેલા 13 જ દિવસમાં 168 કેસ નોંધાયા છે. કમળાની વાત કરીએ તો આ આંક 216 અને 140 જેટલો છે.રવિવારે શહેરમાં એક જ દિવસમાં સ્વાઈન ફ્લુના 23 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ H1N1ના ટોટલ કેસનો આંક 607 થઈ ગયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુને કારણે 28 લોકોના મોત થયા છે જેમાંથી 19 તો ઓક્ટોબર અને સપ્ટેમ્બર મહિનામાં જ થયા છે. કોર્પોરેશનના અને ગુજરાત સરકારના આંકડામાં ભારે ફેર જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના આંક મુજબ જાન્યુઆરીથી 412 જ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્ય સરકારના જણાવ્યા મુજબ અમદાવાદમાં કુલ 607 કેસ નોંધાયા છે. કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે તેમના ડેટા પ્રમાણે 412 કેસ નોંધાયા છે અને તેમાંથી 374 તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નોંધાયા છે. અધિકારીએ જણાવ્યું કે ઓક્ટોબરમાં નવ દિવસમાં 122 કેસ નોંધાયા છે. જો કે અત્યાર સુધી તેમાં માત્ર એક જ મોત થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર