કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચૂકેલા અક્ષય પટેલ સહિત 8 ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે

શનિવાર, 27 જૂન 2020 (09:00 IST)
કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચૂકેલા 8 ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે. ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સવારે 11 વાગે પૂર્વ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણીની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવો ધારણ કરશે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં માર્ચમાં 5 અને જૂનમાં 3 ધારાસભ્યો સહિત 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 
 
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યોમાં કરજણના અક્ષય પટેલ, મોરબીના બ્રિજેશ મેરઝા, ડાંગના મંગળ ગામિત, કપરાડાના જીતુ ચૌધરી, અબડાસાના પ્રધ્યુમન જાડેજા, લીંબડીના સોમા પટેલ, ધારીના જેવી કાકડિયા અને ગઢડાના પ્રવીણ મારૂનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોના રાજીનામાથી ભાજપને ફાયદો પહોંચ્યો છે અને તેમના રાજ્યસભાના ત્રણેય ઉમેદવાર જીતી ગયા, જ્યારે કોંગ્રેસ ફક્ત એક સીટથી સંતોષ માનવો પડ્યો. 
 
ધારાસભ્ય અક્ષય પટેલ કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે. તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીના લીધે શક્તિપ્રદર્શન ન કરી શકાય. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાવાના છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અક્ષય પટેલ ઉપર વિશ્વાસ મૂકી અને જંગી બહુમતીથી જીતાડશે. તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારૂ લક્ષ્ય કરજણ વિધાનસભા વિસ્તારનો વિકાસ છે અને પાર્ટી સાથે તમામ બાબતોની વાત કરી છે. તેમણે કહ્યુ કે, પાર્ટી પણ મને આ કામમાં સહકાર આપશે. 
 
ભાજપે અભય ભારરદ્વાજ, રમીલાબેન બારા, અને નરહરી અમીનને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા અને ત્રણેય જીતી ગયા. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા હતા. જેથી શક્તિસિંહ ગોહિલ જીતી ગયા અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર